અમેરિકી સાંસદે ટ્રમ્પની માનસિક સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ: રક્ષામંત્રીને પૂછ્યું – “શું તેઓ કમાન્ડર-ઈન-ચીફ બનવા યોગ્ય છે?”
અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીની બેઠકમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સેન ડિએગોના ડેમોક્રેટિક સાંસદ સારા જેકબ્સે જાહેરમાં અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથને એવો પ્રશ્ન પૂછ્યો કે જેનાથી આખી સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. જેકબ્સે પૂછ્યું કે, “શું ડોનાલ્ડ ટ્રમ્પ માનસિક રીતે એટલા સ્થિર છે કે તેઓ દેશના કમાન્ડર-ઈન-ચીફ તરીકેની જવાબદારી સંભાળી શકે?” આ નિવેદન બાદ અમેરિકી રાજકારણમાં મોટો હોબાળો મચી ગયો છે.
ભરી સભામાં તીખી ચર્ચા: જેકબ્સ વિરુદ્ધ હેગસેથ
સાંસદ સારા જેકબ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સોશિયલ મીડિયા ગતિવિધિઓ અને તેમના વિવાદાસ્પદ નિવેદનોને આધાર બનાવીને રક્ષામંત્રી પર સવાલોનો મારો ચલાવ્યો હતો. જેકબ્સે ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલા કેટલાક એવા ફોટા અને ‘મીમ્સ’નો ઉલ્લેખ કર્યો જેમાં ટ્રમ્પ પોતાની સરખામણી ઈસા મસીહ (Jesus Christ) સાથે કરી રહ્યા હોય તેવું જણાતું હતું. જેકબ્સે પૂછ્યું કે, આવા પ્રકારની વર્તણૂક શું એક જવાબદાર રાષ્ટ્રપતિની હોઈ શકે?
આ પ્રશ્ન સાંભળતા જ રક્ષામંત્રી પીટ હેગસેથ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે આ સવાલને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવ્યું અને વળતો પ્રહાર કરતા પૂછ્યું, “શું તમે આ જ સવાલ છેલ્લા ચાર વર્ષમાં જો બાઈડેન માટે પૂછ્યો હતો?” જેના જવાબમાં જેકબ્સે સ્પષ્ટ કર્યું કે અત્યારે બાઈડેન રાષ્ટ્રપતિ નથી, પણ છેલ્લા દોઢ વર્ષથી ટ્રમ્પ દેશની કમાન સંભાળી રહ્યા છે, તેથી તેમની સ્થિતિ પર ચર્ચા કરવી જરૂરી છે.
AI જનરેટેડ મીમ્સ અને વિવાદાસ્પદ ટ્વીટનો ઉલ્લેખ
ચર્ચા દરમિયાન સારા જેકબ્સે ટ્રમ્પના એવા ટ્વીટની યાદી રજૂ કરી જે વિવાદાસ્પદ રહ્યા છે. તેમણે તે AI જનરેટેડ ફોટો પણ બતાવ્યો જેમાં ટ્રમ્પ ઈસા મસીહના રૂપમાં લોકોને સાજા કરતા દેખાય છે. જેકબ્સે ગંભીરતાથી પૂછ્યું, “હું મારા મતદારોને આ બાબતે શું જવાબ આપું? શું આ કોઈ સ્વસ્થ માનસિકતા ધરાવતી વ્યક્તિના લક્ષણો છે?”
વધુમાં, ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પના એક ટ્વીટ – “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે” – નો ઉલ્લેખ કરીને જેકબ્સે આશંકા વ્યક્ત કરી કે આવા આક્રમક અને બેજવાબદાર નિવેદનો વિશ્વ શાંતિ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.
રક્ષામંત્રીનો બચાવ: “ટ્રમ્પ સૌથી તેજસ્વી કમાન્ડર છે”
રક્ષામંત્રી હેગસેથે જેકબ્સની ટીકાઓને ફગાવી દેતા ટ્રમ્પનો જોરદાર બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, “હું અહીં રાષ્ટ્રપતિના પદનું અપમાન સહન કરવા નથી આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીના સૌથી તેજસ્વી અને દૂરંદેશી કમાન્ડર-ઈન-ચીફ છે, જે આપણા સૈનિકોના હિતને સર્વોપરી રાખે છે.” હેગસેથે આરોપ લગાવ્યો કે ડેમોક્રેટ્સ માત્ર રાજકીય દ્વેષના કારણે રાષ્ટ્રપતિની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
I asked Secretary Hegseth a straightforward, yes or no question today: Is Donald Trump mentally stable enough to be Commander in Chief?
He didn’t say yes. And that speaks volumes. pic.twitter.com/ncWhEBAX9r
— Congresswoman Sara Jacobs (@RepSaraJacobs) April 29, 2026
ઈરાન સાથેના યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ગરમાયેલું વાતાવરણ
આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુદ્ધના વાતાવરણમાં રાષ્ટ્રપતિનો એક-એક નિર્ણય અને તેમનું માનસિક સંતુલન ખૂબ મહત્વનું બની જાય છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે ટ્રમ્પની નીતિઓ અમેરિકાને બિનજરૂરી સંઘર્ષમાં ધકેલી રહી છે. અગાઉ રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીને પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
