વિદેશી પત્રકારે ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો, વિદેશ મંત્રાલયે લાઈવ કોન્ફરન્સમાં બોલતી બંધ કરી દીધી!
આંતરરાષ્ટ્રીય મંચો પર અવારનવાર ભારતમાં પ્રેસની આઝાદી અને માનવાધિકારોને લઈને સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. પશ્ચિમી દેશોની કેટલીક સંસ્થાઓ અને મીડિયા હાઉસ ભારતની લોકશાહી છબીને ખરડવાનો પ્રયાસ કરતા રહે છે. પરંતુ આ વખતે ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આવા તત્વોને તેમની જ ભાષામાં અને અત્યંત કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દુનિયાના ઘણા લોકો અને વિદેશી પત્રકારો ભારતની વિશાળતા અને અહીંની લોકશાહી વ્યવસ્થાને સમજ્યા વિના જ પૂર્વગ્રહ રાખે છે.
સોમવારે એક પત્રકાર પરિષદમાં નાર્વેના મીડિયા અને કેટલાક આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંગઠનો (NGO) ની પક્ષપાતી રિપોર્ટ્સ પર નિશાન સાધતા ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઘણા લોકો માત્ર અજ્ઞાની અને નાસમજ એનજીઓ દ્વારા પ્રકાશિત અહેવાલો વાંચીને ભારત વિશે ખોટો અભિપ્રાય બાંધી લે છે, જે તદ્દન ખોટું છે.
#WATCH | Oslo, Norway | MEA Secretary (West) Sibi George responds to question by reporters from Norway – “Why should we trust you?” ” Will the PM take critical questions from the Indian Press?” pic.twitter.com/iaEGIlVG08
— ANI (@ANI) May 18, 2026
ઓસ્લોમાં પત્રકાર સાથે તીખી ચર્ચા અને ભારતનો પક્ષ
આ સમગ્ર ઘટના નાર્વેની રાજધાની ઓસ્લોમાં બની હતી. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જ ત્યાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક વિદેશી પત્રકારે ભારતમાં મીડિયાની સ્વતંત્રતાને લઈને સવાલ ઉઠાવ્યો હતો. આ સવાલ પર સિબી જ્યોર્જે અત્યંત આક્રમક અને તાર્કિક રીતે ભારતનો પક્ષ રાખ્યો અને પત્રકાર સાથે તેમની તીખી ચર્ચા થઈ હતી.
સિબી જ્યોર્જે ભારતના મીડિયા તંત્રની વ્યાપક પહોંચ અને તેની તાકાત પર ભાર મૂકતા કહ્યું કે, ભારતનું મીડિયા કેટલું વિશાળ છે તેનો અંદાજ દુનિયાના લોકોને બિલકુલ નથી. પશ્ચિમી દેશો પોતાના નાના કદના ચશ્માથી ભારતના વિશાળ લોકતંત્રને માપવાની ભૂલ કરે છે.
“એકલા દિલ્હીમાં જ ૨૦૦થી વધુ ટીવી ચેનલો છે”
ભારતીય મીડિયાની આઝાદી અને તેના વ્યાપનું ઉદાહરણ આપતા વિદેશ સચિવે કહ્યું, “શું તમને ખબર છે કે ભારતમાં રોજ કેટલી ન્યૂઝ સ્ટોરીઝ બને છે? દરેક ક્ષણે અને દરરોજ સાંજે કેટલી બ્રેકિંગ ન્યૂઝ દેશ સામે આવે છે? ભારત કોઈ નાનો દેશ નથી. માત્ર દેશની રાજધાની દિલ્હીમાં જ ૨૦૦થી વધુ ટીવી ચેનલો રાત-દિવસ કાર્યરત છે. જેમાં અંગ્રેજી, હિન્દી સહિત દેશની અસંખ્ય પ્રાદેશિક ભાષાઓની ચેનલો સામેલ છે.”
તેમણે ઉમેર્યું કે, પશ્ચિમી દુનિયાના લોકોને ભારતના ભૌગોલિક અને સાંસ્કૃતિક કદનો કોઈ અંદાજ જ નથી. આટલી મોટી સંખ્યામાં ન્યૂઝ ચેનલો અને અખબારો જે દેશમાં મુક્તપણે કામ કરી રહ્યા હોય, ત્યાં મીડિયાની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવો એ હાસ્યાસ્પદ બાબત છે.
પૂર્વગ્રહથી પીડાતા વિદેશી સંગઠનો પર વાર
સિબી જ્યોર્જે વિદેશી પત્રકારો અને સંસ્થાઓની અજ્ઞાનતા પર પ્રહાર કરતા કહ્યું કે, “લોકોને ભારતીય વાસ્તવિકતાની બિલકુલ સમજ નથી. તેઓ પોતાના એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને કોઈ અજ્ઞાની અને પૂર્વગ્રહથી ભરેલા એનજીઓ દ્વારા તૈયાર કરાયેલા એકાદ-બે અહેવાલો વાંચી લે છે અને પછી સીધા ભારત પર ટિપ્પણી કરવા આવી જાય છે.”
તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત પર સવાલ ઉઠાવતા પહેલાં લોકોએ ભારતની સ્કેલ (માપદંડ), વસ્તી અને અહીની મજબૂત લોકતાંત્રિક વ્યવસ્થાને સમજવી પડશે. અધૂરી અને એજન્ડા આધારિત માહિતીના આધારે ભારત જેવા મહાન દેશની ન્યાય પ્રણાલી કે સ્વતંત્રતા પર આંગળી ચીંધી શકાય નહીં.
બંધારણ અને સમાનતાના અધિકારોની ગેરંટી
ભારતની લોકશાહી અને માનવાધિકારોની રક્ષા વિશે વાત કરતા સિબી જ્યોર્જે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતનું બંધારણ વિશ્વના સૌથી શ્રેષ્ઠ બંધારણોમાંનું એક છે. આ બંધારણ દેશના દરેક નાગરિકને સમાનતા અને મૌલિક અધિકારો (Fundamental Rights) ની ગેરંટી આપે છે. જો કોઈ નાગરિકના અધિકારોનું ઉલ્લંઘન થાય છે, તો આપણી ન્યાયતંત્રની સિસ્ટમ એટલી મજબૂત છે કે તે તાત્કાલિક કાયદાકીય ઉપાયો પ્રદાન કરે છે.
તેમણે પશ્ચિમી દેશોને અરીસો બતાવતા કહ્યું કે ભારત કોઈના શીખવાડવાથી માનવાધિકાર નથી શીખવાનું, કારણ કે ભારત સદીઓથી સમાનતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનામાં વિશ્વાસ રાખે છે.
મહિલા અધિકારો અંગે પશ્ચિમી દેશોને બતાવ્યો અરીસો
વિદેશ મંત્રાલયના સચિવે ભારતમાં મહિલાઓના અધિકારો અને ઐતિહાસિક નિર્ણયોનો પણ ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “જ્યારે અમારો દેશ ૧૯૪૭માં આઝાદ થયો, ત્યારે અમે પહેલા દિવસથી જ દેશની તમામ મહિલાઓને પુરુષોની સમકક્ષ સમાન મતદાનનો અધિકાર (Right to Vote) આપ્યો હતો. આ સ્વતંત્રતા અને સમાનતા અમે સાથે મળીને મેળવી છે.”
તેમણે વધુમાં એક ચોંકાવનારી વાસ્તવિકતા યાદ અપાવતા કહ્યું, “દુનિયાના એવા ઘણા વિકસિત દેશો છે, જે આજે માનવાધિકારની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ તેમણે ભારતે અધિકાર આપ્યાના દાયકાઓ પછી પોતાની મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો હતો. અમે આ બધું એટલા માટે કર્યું કારણ કે અમે મૂળભૂત રીતે જ સમાનતા અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસ રાખીએ છીએ.”
સરકાર બદલવાનો અધિકાર એ જ સૌથી મોટો માનવાધિકાર
સિબી જ્યોર્જે લોકશાહીની અસલી વ્યાખ્યા સમજાવતા કહ્યું કે, માનવાધિકાર અને સ્વતંત્રતાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે કે દેશની જનતા પાસે પોતાની મરજીથી વોટ આપવાનો અને પોતાની સરકાર બદલવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતમાં દર પાંચ વર્ષે કે નિયત સમયે ચૂંટણીઓ થાય છે અને જનતા પોતાની સત્તા નક્કી કરે છે. આ જ ભારતની લોકશાહીની સૌથી મોટી સુંદરતા અને તાકાત છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે.
ભારતમાં મીડિયા સંપૂર્ણપણે સ્વતંત્ર છે, વિપક્ષ અને સામાન્ય જનતા પોતાની વાત રાખવા માટે મુક્ત છે. તેથી, કોઈપણ વિદેશી સંસ્થાના પૂર્વગ્રહયુક્ત અહેવાલના આધારે ભારતની છબીને નુકસાન પહોંચાડી શકાય નહીં. ભારત સરકાર પોતાના બંધારણીય મૂલ્યો અને નાગરિકોની સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.