સાઉદી અરેબિયાનો અંધાધૂંધ પૈસા વહાવવાનો યુગ પૂરો: નિયોમ પ્રોજેક્ટ ઠપ્પ, પ્રિન્સ સલમાનનું સ્વપ્ન ચકનાચૂર!
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ શાસકે પોતાની જિદ પૂરી કરવા માટે કુદરતના નિયમોથી વિરૂદ્ધ જઈને ભવ્ય અને અસાધારણ બાંધકામો બનાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે મોટેભાગે તેનું પરિણામ ખૂબ જ આઘાતજનક આવ્યું છે. સૌદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) દ્વારા આશરે એક દાયકા પહેલાં આવા જ એક અશક્ય લાગતા ‘વિઝન-૨૦૩૦’ (Vision-2030) ની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કોઈ હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો આકર્ષક હતો. કાળા સોના (તેલ) ની કમાણીના દમ પર જે દેશ પાસે ૧ ટ્રિલિયન ડૉલરનું તોતિંગ ફોરેક્સ રિઝર્વ છે, તે સૌદી અરેબિયા આજે પોતાના જ સપનાના શહેરને હકીકત બનાવવા માટે ભયંકર આર્થિક સંઘર્ષનો સામનો કરી રહ્યું છે.
પરંતુ સમયનું ચક્ર હવે બદલાઈ ચૂક્યું છે. સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં ડૉલરનો પ્રવાહ ધીમો પડી ગયો છે અને ક્રાઉન પ્રિન્સ તેમના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે વૈશ્વિક સ્તરેથી જરૂરી ફંડ એકત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. મિડલ ઇસ્ટ (પશ્ચિમ એશિયા) માં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી રાજકીય અને લશ્કરી અનિશ્ચિતતાએ સાઉદી અરેબિયામાં આવતા વિદેશી રોકાણના નળને લગભગ બંધ કરી દીધો છે. પરિણામે, જે નિયોમ (NEOM) પ્રોજેક્ટ માટે કરોડો ડૉલરના રોકાણની અપેક્ષા રાખવામાં આવી હતી, તે પૂર્ણ થઈ શકી નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે હવે આ પ્રોજેક્ટને કાં તો નવા છેડેથી ડિઝાઇન કરવાની અથવા તેના પર કાયમી તાળા લગાવી દેવાની ચર્ચાઓ જગતભરમાં શરૂ થઈ ગઈ છે.
નિયોમ સિટી પ્રોજેક્ટ બંધ થવાના આરે?
તાજેતરના અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાના આંખો મીંચીને પૈસા ઉડાવવાના દિવસો હવે સત્તાવાર રીતે પૂરા થઈ ગયા છે. મોહમ્મદ બિન સલમાનની યોજના રણની વચ્ચે ૫૦૦ અબજ ડૉલર (આશરે ૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ) ના ખર્ચે ૧૭૦ કિલોમીટર લાંબી, સંપૂર્ણ કાચની દીવાલોવાળી એક સીધી રેખામાં ભવિષ્યવાદી ‘ધ લાઇન’ (The Line) સિટી બનાવવાની હતી. બીબીસીના રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટને હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે અથવા બંધ કરવાની નોબત આવી છે.
પ્રિન્સ સલમાન સાઉદી અરેબિયાના અત્યંત ગરમ અને કઠોર રણની વચ્ચે પહાડો પર એક લક્ઝુરિયસ સ્કી રિસોર્ટ બનાવવા માંગતા હતા. આ પહાડી વિસ્તારમાં માઇલો લાંબો સ્કીઇંગ ટ્રેક, એક આખી સ્કીઇંગ વિલેજ, વિશાળ કૃત્રિમ તળાવ, આલીશાન સેવન સ્ટાર હોટલો અને મોંઘીદાટ દુકાનો બનાવવાની કલ્પના કરવામાં આવી હતી. અરબના રણ અને પહાડોની વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડના ‘સેન્ટ મોરિટ્ઝ’ જેવું સુંદર શહેર ઊભું કરવાનો આ પ્લાન હતો. તેને ૨૦૨૯ માં યોજાનારી એશિયન વિન્ટર ગેમ્સની યજમાની માટે સમયસર તૈયાર કરવાનો હતો, પરંતુ પ્રોજેક્ટના ધાંધિયાને કારણે હવે આ આયોજન જ રદ કરી દેવામાં આવ્યું છે. હવે આ રમતોત્સવ સૌદી અરેબિયાના બદલે કઝાકિસ્તાનમાં આયોજિત કરવામાં આવશે, જે સૌદી માટે બહુ મોટો આંતરરાષ્ટ્રીય ઝટકો છે.
વૈશ્વિક રમતગમતમાં અબજો ડૉલરનું રોકાણ અને તેલના ભાવનો માર
મુજબ, સાઉદી અરેબિયાએ પોતાની વૈશ્વિક છબી બદલવા (સ્પોર્ટ્સ વોશિંગ) માટે ફૂટબોલ, ગોલ્ફ અને બોક્સિંગ જેવી વૈશ્વિક રમતોમાં અબજો ડૉલરનું આંધણ કર્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા વિશ્વ વિખ્યાત ફૂટબોલ ખેલાડીઓને અબજો રૂપિયાની ફી આપીને પોતાની સ્થાનિક લીગમાં રમવા માટે ખરીદ્યા હતા. સૌદી અરેબિયા પાસે આશરે $૧ ટ્રિલિયનનો સાર્વભૌમ સંપત્તિ ભંડોળ (PIF – પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ) હોવા છતાં, હવે તેને પોતાના રોજિંદા અને ભવિષ્યના ખર્ચાઓ પર મજબૂરીમાં બ્રેક લગાવવી પડી રહી છે.
યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ સર્જાયેલી વૈશ્વિક આર્થિક મંદીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌદી અરેબિયાને પોતાના આવા ભવ્ય અને મોંઘા પ્રોજેક્ટ્સનો ખર્ચ સંતુલિત રાખવા માટે કાચા તેલનો ભાવ ઓછામાં ઓછો ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ હોવો જરૂરી છે, જે તેને લાંબા સમયથી મળી રહ્યો નથી. પરિણામે, સૌદી અરેબિયાનું સરકારી બજેટ સતત મોટા નાણાકીય ઘાટા (બજેટ ડેફિસિટ) માં ચાલી રહ્યું છે.
વિદેશી રોકાણ માટે તરસતું સૌદી અરેબિયા: વ્યૂહરચનામાં મોટો ફેરફાર
સાઉદી સરકારને આશા હતી કે તેમના આ અદ્ભુત મેગા પ્રોજેક્ટ્સને જોઈને દુનિયાભરના અબજોપતિઓ અને મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ સામેથી રોકાણ કરશે. પરંતુ દેશમાં ચાલી રહેલું તાનાશાહી શાસન, માનવાધિકારના ગંભીર મુદ્દાઓ અને પડોશી દેશો સાથેના પ્રાદેશિક તણાવને કારણે પશ્ચિમી દેશોના રોકાણકારોએ પોતાના પગ પાછા ખેંચી લીધા છે. પૈસાની આ જ તંગીના કારણે હવે સૌદી સરકારે પોતાની આખી આર્થિક વ્યુહરચના બદલવી પડી છે:
‘ધ લાઇન’ નું કદ નાનું કરાયું: ૧૭૦ કિલોમીટર લાંબી બનનારી કાચની સિટીના પ્રોજેક્ટને હાલ પૂરતો સમીટાવીને ખૂબ જ નાનો કરી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં હવે માત્ર થોડા જ કિલોમીટરનું બાંધકામ કરવામાં આવશે.
કોન્ટ્રાક્ટ અને પેમેન્ટ હોલ્ડ પર: સૌદી સરકારે પશ્ચિમી દેશોની મોટી મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી કંપનીઓ (જેઓ આ પ્રોજેક્ટની વ્યુહરચના બનાવતી હતી) ના નવા કોન્ટ્રાક્ટ રદ કર્યા છે અને જૂની કંપનીઓના ઘણા પેમેન્ટ્સ પણ અટકાવી દીધા છે.
રમતગમતમાં રોકાણ ધીમું કર્યું: સૌદી અરેબિયાના સાર્વભૌમ ભંડોળ (PIF) એ વૈશ્વિક ગોલ્ફ (LIV Golf) ને સંપૂર્ણપણે ખરીદવાના પોતાના અબજો ડૉલરના પ્રયાસોને કાં તો ધીમા કરી દીધા છે અથવા કાયમી ધોરણે બંધ કરી દીધા છે.
૫૮ અબજ ડૉલરનું મોટું દેવું: વર્ષ ૨૦૨૬ માં સૌદી અરેબિયાનું બજેટ નુકસાન લગભગ ૪૪ અબજ ડૉલર રહેવાનો અંદાજ છે. આ ખાધને પૂરવા માટે સરકારે વૈશ્વિક બજારમાંથી રેકોર્ડ ૫૮ બિલિયન ડૉલરનું દેવું (લોન) લેવાની યોજના બનાવી છે.
ડેડલાઇન લંબાવવામાં આવી: જે પ્રોજેક્ટ્સ ૨૦૩૦ સુધીમાં પૂરા થવાના હતા, ફિઝૂલખર્ચી રોકવા માટે હવે તેમની ડેડલાઇન લંબાવીને ૨૦૩૫ અથવા ૨૦૪૦ સુધી આગળ ધકેલી દેવામાં આવી છે.
જનતા પર ટેક્સનો બોજ અને ઓપેક (OPEC+) ની નવી ચાલ
એકંદરે પરિસ્થિતિ એવી છે કે આ મેગાપ્રોજેક્ટ્સે સાઉદી અરેબિયાના મજબૂત અર્થતંત્રના પાયા હચમચાવી નાખ્યા છે. આ નાણાકીય કટોકટી અને બજેટ ખાધને પહોંચી વળવા માટે, સાઉદી સરકાર નજીકના ભવિષ્યમાં તેના નાગરિકો પર વેટ દરમાં વધારો કરી શકે છે, તેમજ વીજળી અને પાણી પર સરકારી સબસિડીમાં ભારે ઘટાડો કરી શકે છે, જેનાથી સામાન્ય લોકો પર બોજ વધી શકે છે.
આ ઉપરાંત, બજેટને ફરીથી પાટા પર લાવવા માટે સૌદી અરેબિયા અન્ય તેલ ઉત્પાદક દેશો (OPEC+) સાથે મળીને કાચા તેલના ઉત્પાદનમાં વધુ મોટો ઘટાડો કરી શકે છે. સૌદીનો પ્રયાસ રહેશે કે વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો ઘટાડીને કિંમતોને ફરીથી $૮૫-$૯૦ પ્રતિ બેરલની પાર લઈ જવામાં આવે. એક વાત સ્પષ્ટ છે કે, હવે સૌદી અરેબિયા પહેલાંની જેમ હવામાં પૈસા ઉડાવી શકશે નહીં, પરંતુ તેણે આર્થિક વાસ્તવિકતાને સ્વીકારીને ખૂબ જ વ્યવહારુ અને જમીની નિર્ણયો લેવા પડશે.

