યુદ્ધના મેદાનમાંથી શાંતિના સંદેશ સુધી: ઝેલેન્સ્કીની પુતિનને પહેલ, શું હવે ખતમ થશે લાંબો સંઘર્ષ?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક ખુલ્લો પત્ર લખીને સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પત્રમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે સંપૂર્ણ યુદ્ધવિરામ અને બંને દેશોના વડાઓ વચ્ચે ફેસ-ટુ-ફેસ બેઠકની અપીલ કરી છે. આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટા વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. ઝેલેન્સ્કીનું માનવું છે કે યુદ્ધના મેદાનમાં લોહી વહેવડાવવા કરતાં ટેબલ પર બેસીને વાત કરવી એ જ માનવતા અને દેશના હિતમાં છે.
ઝેલેન્સ્કીનો સંદેશ: “યુદ્ધનો હવે અંત આવવો જોઈએ”
પોતાના ૧,૮૦૦ શબ્દોના લાંબા પત્રમાં ઝેલેન્સ્કીએ ખૂબ જ સ્પષ્ટ અને ગંભીર શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે પુતિનને ઉદ્દેશીને કહ્યું કે, “ખુફિયા અહેવાલો મુજબ તમે ૨૦૨૭ અને ૨૦૨૮ સુધી આ યુદ્ધ ખેંચવાની યોજના બનાવી રહ્યા છો, પરંતુ હવે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. ઘણું યુદ્ધ થઈ ગયું, હવે અટકવાની જરૂર છે.” ઝેલેન્સ્કીએ એવી પણ ટકોર કરી હતી કે અમેરિકાનું ધ્યાન હાલમાં ઈરાન તરફ વધુ છે, તેથી યુક્રેન અને રશિયાએ અમેરિકા કે યુરોપની રાહ જોયા વગર પોતે જ આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.
તેમણે પ્રસ્તાવ મૂક્યો કે જો બંને નેતાઓ સ્વિટ્ઝર્લેન્ડ કે તુર્કિયે જેવા તટસ્થ દેશોમાં મળે, તો સ્થાયી શાંતિનો રસ્તો નીકળી શકે છે. સાથે જ તેમણે ભાર મૂક્યો કે આ સમાધાન એવી રીતે થવું જોઈએ કે જેથી ફરી ક્યારેય યુદ્ધ ન થાય.
પુતિન પર તીખા પ્રહાર અને ક્રેમલિનની પ્રતિક્રિયા
ઝેલેન્સ્કીએ માત્ર શાંતિની વાત નથી કરી, પણ પુતિન પર કટાક્ષ પણ કર્યા છે. તેમણે ૨૬ વર્ષથી સત્તામાં રહેલા પુતિનની વધતી ઉંમર અને તેની દેશની નીતિઓ પર અસરનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, યુક્રેન દ્વારા રશિયાના અંદરના વિસ્તારોમાં કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. આ એક રીતે પુતિનને ચેતવણી આપવાનો પ્રયાસ હતો કે યુદ્ધ હવે રશિયાની સરહદો સુધી પહોંચી ગયું છે.
ક્રેમલિને પુષ્ટિ કરી છે કે તેમને આ પત્ર મળી ગયો છે અને પુતિનને તેની જાણ કરવામાં આવશે. રશિયાનું વલણ હજુ પણ થોડું અક્કડ છે, તેમણે કહ્યું છે કે જો ઝેલેન્સ્કીને મળવું હોય તો તેમણે મોસ્કો આવવું પડશે. સેન્ટ પીટર્સબર્ગમાં પુતિને સ્વીકાર્યું કે તેઓ સમજૂતી કરવા માટે તૈયાર છે, પરંતુ તે માટે બંને પક્ષોએ થોડાક નમતા જોખવા પડશે.
રશિયાની માંગ અને યુક્રેનનો વિરોધ
રશિયાની શરતો જૂની છે: રશિયા ઈચ્છે છે કે યુક્રેન તેના ચાર મહત્વના વિસ્તારો—ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેર્સન અને ઝાપોરિઝિયા પરનો પોતાનો દાવો જતો કરે. આ સાથે જ રશિયાની માંગ છે કે યુક્રેન ક્યારેય નાટો (NATO)માં જોડાવાનો પ્રયાસ ન કરે.
બીજી તરફ, યુક્રેન માટે આ શરતો સ્વીકારવી ખૂબ મુશ્કેલ છે. યુક્રેનનું કહેવું છે કે જો તેઓ આ વિસ્તારો આપી દેશે, તો રશિયા ભવિષ્યમાં ફરીથી હુમલો કરી શકે છે અને યુક્રેનની સુરક્ષા હંમેશા જોખમમાં રહેશે. દરરોજ ગુમાવતા સૈનિકો અને નાગરિકોને કારણે યુક્રેન હવે આર્થિક અને માનસિક રીતે થાકી ગયું છે. ઝેલેન્સ્કીએ તેમના પત્રમાં એ પણ નોંધ્યું કે રશિયાની જનતા પણ હવે યુદ્ધ, મોંઘવારી અને ઈંધણની અછતથી કંટાળી ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીધી વાતચીતનો ટેકો આપ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે પુતિન અને ઝેલેન્સ્કી જો સામ-સામે બેસીને વાત કરે, તો તે સમગ્ર વિશ્વ માટે સારું રહેશે. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ બંને દેશોને શાંતિની નજીક લાવવામાં અત્યાર સુધી મહત્વની ભૂમિકા ભજવી છે અને તેઓ આ પ્રક્રિયામાં સહયોગ કરવા તૈયાર છે.

