યમનમાં ફરી ભડક્યુ યુદ્ધ: હૂથી વિદ્રોહીઓના મિસાઈલ હુમલાથી હચમચી ગયું અદન શહેર!
યમનમાં એકવાર ફરી સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. હૂથી વિદ્રોહીઓએ દક્ષિણ યમનના મુખ્ય શહેર અદન પર તાબડતોબ મિસાઈલ હુમલા કર્યા છે. આ તાજા હુમલામાં અદનના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને અલ-માશીક સ્થિત રાષ્ટ્રપતિ ભવન પરિસરને સીધું નિશાન બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, સાઉદી અરેબિયા અને યમનના અધિકારીઓએ હૂથીઓ પર ઇસ્લામના બીજા સૌથી પવિત્ર શહેર મદીના તરફ પણ ડ્રોન મોકલવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે, હૂથીઓએ સાઉદી અરેબિયા પર કોઈ પણ પ્રકારના નવા હુમલાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

અદનમાં ધમાકાથી દહેશત, રાષ્ટ્રપતિ ભવન તરફ દોડી એમ્બ્યુલન્સ
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના સૈન્ય પ્રવક્તાએ માહિતી આપી હતી કે શુક્રવારે હૂથી વિદ્રોહીઓએ અદન એરપોર્ટ અને અલ-માશીક રાષ્ટ્રપતિ ભવનને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી.
સ્થાનિક પોલીસ અધિકારી અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં એક પછી એક બે જોરદાર ધમાકાના અવાજ સંભળાયા હતા. આ પછી તરત જ રાષ્ટ્રપતિ ભવન પરિસર તરફ ઘણી એમ્બ્યુલન્સ ઝડપથી જતી જોવા મળી હતી. આ પરિસરમાં સરકારની ઘણી મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારતો આવેલી છે. જોકે, હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા હુમલામાં થયેલા નુકસાન કે કોઈ જાનહાનિ અંગેની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે આ પહેલા વિતાવેલા બુધવારે પણ હૂથીઓએ અદન એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જે દક્ષિણ યમનમાં માનવતાવાદી મદદ પહોંચાડવા માટેનું સૌથી મુખ્ત પ્રવેશદ્વાર છે.
મદીના તરફ મોકલ્યો ડ્રોન? સાઉદી ગઠબંધને હવામાં જ કર્યો નષ્ટ
અદન પર થયેલા મિસાઈલ હુમલા વચ્ચે, સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને દાવો કર્યો છે કે તેણે મદીના વિસ્તાર ઉપર મંડરાઈ રહેલા એક હૂથી ડ્રોનને સમયસર રોકીને હવામાં જ તોડી પાડ્યું હતું.
મદીના શહેર મુસ્લિમ સમાજ માટે ખૂબ જ પવિત્ર અને ખાસ સ્થાન ધરાવે છે, કારણ કે અહીં પયગંબર મોહમ્મદની મસ્જિદ (મસ્જિદ-એ-નબવી) આવેલી છે. સાઉદી અરેબિયા પહેલા પણ હૂથી વિદ્રોહીઓ પર મક્કા અને મદીના જેવા પવિત્ર સ્થળોની આસપાસ હુમલાના કાવતરા ઘડવાનો આરોપ લગાવતું રહ્યું છે. આ પહેલા સપ્ટેમ્બરમાં પણ મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં એક ડ્રોનને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.
હૂથીઓની સ્પષ્ટતા: ‘સાઉદી અરેબિયા પર નથી કર્યો કોઈ હુમલો’
બીજી તરફ, હૂથી વિદ્રોહીઓના સૈન્ય પ્રવક્તા યાહ્યા સારેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ શેર કરીને સાઉદી અરેબિયાના તમામ દાવાઓને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંગઠને સાઉદી સરહદ કે તેના કોઈ વિસ્તારમાં કોઈ નવું સૈન્ય અભિયાન ચલાવ્યું નથી. પ્રવક્તાના જણાવ્યા મુજબ, હૂથીઓના નિશાના પર માત્ર સાઉદી અરેબિયાના તેલના મથકો અને સૈન્ય અડ્ડાઓ જ રહે છે, કોઈ નાગરિક કે ધાર્મિક સ્થળને નિશાન બનાવવાનો તેમનો હેતુ નથી.
હાલમાં અદન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ બનેલી છે.

