H-1B વિઝા નીતિમાં ફેરફાર: ટ્રમ્પ પ્રશાસનના નવા પ્રસ્તાવથી ભારતીય IT પ્રોફેશનલ્સની ચિંતા વધી!
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવવાની દિશામાં એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ વખતે H-1B વિઝા એક્સટેન્શન સાથે જોડાયેલા એક જૂના નિયમને નિશાન બનાવવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકાની ટેક કંપનીઓમાં કામ કરી રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રમ્પ પ્રશાસને તે નીતિને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ વિઝા રિન્યુઅલની પ્રક્રિયા ઘણી સરળ રહેતી હતી. આ ફેરફારથી ખાસ કરીને એવા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડના બેકલોગમાં ફસાયેલા છે અને સતત વિઝા એક્સટેન્શન પર નિર્ભર છે.

શું છે આખો મામલો અને “ડિફરન્સ પોલિસી”?
અત્યાર સુધી અમેરિકાની નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS)માં એક નિયમ ચાલ્યો આવતો હતો જેને “ડિફરન્સ ટુ પ્રાયર અપ્રૂવલ્સ” (Deference to Prior Approvals) કહેવામાં આવે છે. આ નિયમ હેઠળ, જો કોઈ કર્મચારી, કંપની અને નોકરી સાથે જોડાયેલા તથ્યો પહેલા જેવા જ રહેતા, તો H-1B વિઝાના નવીનીકરણ (એક્સટેન્શન) સમયે અધિકારીઓએ અગાઉના મંજૂર થયેલા નિર્ણયને જ માન્ય રાખવો પડતો હતો. એટલે કે જ્યાં સુધી કોઈ મોટી ભૂલ, છેતરપિંડી કે નિયમોમાં કોઈ ફેરફાર સામે ન આવે, ત્યાં સુધી જૂના નિર્ણયનું સન્માન કરવામાં આવતું હતું.
પરંતુ હવે આ નીતિને સમાપ્ત કરવાની તૈયારી ચાલી રહી છે. જો આ પ્રસ્તાવ સંપૂર્ણપણે લાગુ થઈ જાય છે, તો પ્રક્રિયા તદ્દન બદલાઈ જશે અને તેની સીધી અસર ભારતીય ટેક કર્મચારીઓ પર પડશે.
નવા નિયમથી શું બદલાઈ જશે?
વર્તમાન વ્યવસ્થામાં ઘણા ભારતીય પ્રોફેશનલ્સ AC21 અધિનિયમ હેઠળ ત્રણ-ત્રણ વર્ષના એક્સટેન્શન પર સરળતાથી અમેરિકામાં ટકી રહે છે. તેમને દરેક વખતે લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું ન હતું.
પરંતુ નવા અને કડક નિયમો આવ્યા પછી આ રાહત સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે. જેના અંતર્ગત:
દરેક રિન્યુઅલ પર ફરીથી થશે તપાસ: હવે પછીના દરેક વિઝા એક્સ્ટેન્શન વખતે, સત્તાવાળાઓ અગાઉની મંજૂરીઓને આપમેળે માન્ય ગણશે નહીં. તેના બદલે, દરેક વખતે તમામ દસ્તાવેજોની ફરીથી તપાસ કરવામાં આવશે.
આ બાબતોની થશે કડક સમીક્ષા: દરેક વખતે અરજીમાં એ સાબિત કરવું પડશે કે નોકરી ખરેખર “સ્પેશિયલટી ઓક્યુપેશન” (વિશિષ્ટ લાયકાતવાળી નોકરી)ના દાયરામાં આવે છે કે નહીં.
વેતન અને સંબંધોની કડક તપાસ: દરેક નવીકરણ (renewal) પ્રક્રિયા દરમિયાન, કર્મચારીના વેતનનું સ્તર અને નોકરીદાતા-કર્મચારી વચ્ચેના સંબંધોના સ્વરૂપની સઘન અને ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.
ભારતીય પ્રોફેશનલ્સ પર કેમ તોળાઈ રહ્યું છે જોખમ?
અમેરિકામાં ગ્રીન કાર્ડ (કાયમી નિવાસ) મેળવવાની પ્રક્રિયામાં દાયકાઓનો લાંબો સમય રાહ જોવી પડે છે. આ જ કારણ છે કે લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય ટેક એક્સપર્ટ્સ વર્ષો-વર્ષ H-1B વિઝાના એક્સટેન્શન પર જ અમેરિકામાં રહે છે.
જો અધિકારીઓને દરેક વખતે દરેક દસ્તાવેજ અને યોગ્યતાને ઝીણવટપૂર્વક તપાસવાની ખુલ્લી છૂટ મળી જાય, તો વિઝા રિન્યુઅલ કરાવવું એક લાંબી અને અનિશ્ચિત કસરત બની જશે. ક્યારેય પણ નાનો ટેકનિકલ ફેરફાર કે નિયમનું નવું અર્થઘટન વિઝા રદ થવાનું કારણ બની શકે છે. આનાથી માત્ર પ્રોફેશનલ્સની માનસિક શાંતિ જોખમાશે નહીં, પરંતુ તેમના પરિવારો અને ભવિષ્ય પર પણ તલવાર લટકતી રહેશે.
હાલમાં આ સંભવિત ફેરફારને કારણે ટેક સમુદાયમાં ગંભીર ચિંતાનું વાતાવરણ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ નીતિ સત્તાવાર રીતે લાગુ થાય છે, તો અમેરિકન કંપનીઓ માટે ભારતીય પ્રતિભાઓને પોતાની સાથે જાળવી રાખવી અને કર્મચારીઓ માટે ત્યાં ટકી રહેવું અત્યંત પડકારજનક બની જશે.
