માત્ર ₹100 માં ટાટા સ્ટીલે વેચ્યું ISL નું લાઈસન્સ! 4 કરોડથી વધુ શેર કર્યા ટ્રાન્સફર, જાણો મામલો
ભારતીય ફૂટબોલ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી ઔદ્યોગિક કંપની ટાટા સ્ટીલે (Tata Steel) પોતાના પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ જમશેદપુર FC (Jamshedpur FC) નું ઈન્ડિયન સુપર લીગ (ISL) લાઈસન્સ માત્ર ₹૧૦૦ ની ટોકન કિંમતે ગોવાના ઐતિહાસિક ક્લબ ચર્ચિલ બ્રધર્સ (Churchill Brothers) ને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
ટાટા સ્ટીલે ‘જમશેદપુર ફૂટબોલ એન્ડ સ્પોર્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ’ (JFSPL) માં પોતાની ૧૦૦ ટકા હિસ્સેદારી ચર્ચિલ બ્રધર્સ સ્પોર્ટ્સ ક્લબને વેચી દીધી છે. આ કરાર સાથે જ ટાટા સ્ટીલે એક પ્રોફેશનલ ફૂટબોલ ક્લબના માલિક તરીકે પોતાની એક દાયકા જૂની ભૂમિકાનો સત્તાવાર અંત આણ્યો છે.

૪ કરોડથી વધુ ઇક્વિટી શેરોનું ટ્રાન્સફર: ૩૧ ઓગસ્ટ સુધીમાં ડીલ પૂરી થવાની શક્યતા
જુલાઈ મહિનામાં ટાટા સ્ટીલના બોર્ડ દ્વારા ગઠિત બોર્ડ કમિટીની ૧૪ ઓગસ્ટના રોજ યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં JFSPL ના તમામ ૪,૦૮,૦૦,૦૦૦ (ચાર કરોડ આઠ લાખ) ઇક્વિટી શેરોના ટ્રાન્સફરને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી.
આ જ દિવસે બંને પક્ષો વચ્ચે શેર પચેસ એગ્રીમેન્ટ (Share Purchase Agreement – SPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને અન્ય જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ આ સોદો ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થવાની ધારણા છે.
આ સોદાની કિંમત એટલી ઓછી છે કે તેની સરખામણી ફિફા (FIFA) વર્લ્ડ કપમાં વપરાતા સત્તાવાર ફૂટબોલની કિંમત સાથે કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપના એક ઓફિશિયલ ફૂટબોલની કિંમત આશરે ₹૧૫,૦૦૦ હોય છે, જ્યારે આ આખા લાઈસન્સ અને કંપનીના ટ્રાન્સફરની કિંમત તેના કરતાં પણ ૧૫૦ ગણી ઓછી (માત્ર ₹૧૦૦) રાખવામાં આવી છે!
ટાટા સ્ટીલે શા માટે છોડ્યો પ્રોફેશનલ ફૂટબોલનો સાથ?
આ નિર્ણય સાથે જ ટાટા સ્ટીલનું જમશેદપુર FC ના માધ્યમથી પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં એક દાયકાથી વધુ સમયથી ચાલતું પ્રત્યક્ષ યોગદાન સમાપ્ત થઈ ગયું છે. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાટા સ્ટીલ હવે પોતાના મૂળ ધ્યેય એટલે કે ગ્રાઉન્ડ લેવલ (Grassroots) ના ફૂટબોલ વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
કંપની પોતાની વિશ્વવિખ્યાત ‘ટાટા ફૂટબોલ એકેડેમી’ (TFA) ના માધ્યમથી યુવા ખેલાડીઓને તાલીમ આપવાનું અને રમતગમતના માળખાકીય સુવિધાઓ (Sports Infrastructure) ને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ રાખશે, પરંતુ કોમર્શિયલ ક્લબ ચલાવવાથી દૂર રહેશે.
અહેવાલો મુજબ, AIFF એ ટાટા સ્ટીલને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી, પરંતુ કંપનીએ અંતે ISL માંથી બહાર નીકળવાનો મક્કમ નિર્ણય લીધો હતો. આ સોદા હેઠળ ક્લબના વર્તમાન ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને નવી માલિકી હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ફૂટબોલ પ્રવૃત્તિઓ અટક્યા વગર ચાલુ રહી શકે.

ISL ની અનિશ્ચિતતા અને ચર્ચિલ બ્રધર્સ માટે નવી આશા
ટાટા સ્ટીલનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ISL ની કોમર્શિયલ રચના, નાણાકીય મોડેલ અને લાંબા ગાળાના ભવિષ્યને લઈને ભારતીય ફૂટબોલ ક્ષેત્રે વિવિધ અટકળો અને અનિશ્ચિતતાઓ ચાલી રહી છે.
બીજી તરફ, ગોવાના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ ચર્ચિલ બ્રધર્સ માટે આ ડીલ સંઘર્ષપૂર્ણ સમય પછી ISL માં પ્રવેશવાનો એક સુવર્ણ માર્ગ બનીને આવી છે:
-
I-League નો વિવાદ: ૨૦૨૪-૨૫ I-લીગમાં ચર્ચિલ બ્રધર્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યા હતા અને તેમને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ‘ઈન્ટર કાશી’ (Inter Kashi) ક્લબે આ નિર્ણયને ‘કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ’ (CAS) માં પડકાર્યો હતો.
-
CAS નો ફેસલો: CAS એ ઈન્ટર કાશીના પક્ષમાં ચુકાદો આપીને તેમના પોઈન્ટ્સ બહાલ કર્યા અને ઈન્ટર કાશીને ચેમ્પિયન જાહેર કર્યા, જેના કારણે ચર્ચિલ બ્રધર્સે ISL માં ઓટોમેટિક પ્રમોશન મેળવવાની તક ગુમાવી દીધી હતી.
-
I-League 2 માં ડીમોશન: આ ઘટના બાદ ચર્ચિલ બ્રધર્સે ISL માં પ્રવેશવા પ્રયાસો કર્યા પરંતુ અન્ય ક્લબો અને AIFF ના વિરોધને કારણે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. બાદમાં ૨૦૨૫-૨૬ ની આઈ-લીગમાંથી હટી જવાના કારણે ક્લબને I-League 2 માં ડીમોટ કરવામાં આવ્યું હતું.
હવે, ટાટા સ્ટીલ પાસેથી જમશેદપુર FC નું લાઈસન્સ ખરીદીને ચર્ચિલ બ્રધર્સ સીધા ભારતીય ફૂટબોલના સૌથી ટોચના સ્ટેજ એટલે કે ISL માં પુનરાગમન કરવા માટે સજ્જ બન્યા છે.