ખાદ્ય સુરક્ષાના ભંગ બદલ મોટી કાર્યવાહી: ગંદકી મળતા બેકરીનું લાયસન્સ રદ, એવરેસ્ટના જીરું પાવડર પર પ્રતિબંધ
ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણોળ સત્તામંડળ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. FSSAIએ ગંભીર સ્વચ્છતા અને સુરક્ષા ખામીઓને કારણે એક બેકરી યુનિટનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે અને સાથે જ એવરેસ્ટ કંપનીના પ્રી-પેક્ડ જીરું પાવડર (Cumin Powder) ના એક બેચને બજારમાંથી પાછો ખેંચવાનો (Recall) આદેશ જારી કર્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
FSSAI continues to enforce strict regulatory compliance to safeguard consumer health across the country:
1️⃣ Licence Suspended: FSSAI licence of M/s Creative Bakers and Confectioners Pvt. Ltd. has been suspended with immediate effect due to severe hygiene deficiencies. (1)2 https://t.co/i4yy2phThN
— FSSAI (@fssaiindia) October 4, 2026
M/s ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સનું લાયસન્સ રદ
FSSAIએ M/s ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડ (M/s Creative Bakers and Confectioners Pvt. Ltd.) સામે કડક વલણ અપનાવતા તેનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. કંપનીને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તમામ પ્રકારની ખાદ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ તાત્કાલિક ધોરણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન બેકરી પરિસરમાંથી નીચે મુજબની ગંભીર ગંદકી અને ખામીઓ મળી આવી હતી:
ખાદ્ય ઉત્પાદન અને હેન્ડલિંગ એરિયામાં ભારે ગંદકી, ધૂળ, જાળા અને માખીઓનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.
નાશ પામે તેવા કાચા માલસામાનને ખુલ્લામાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
કાચા અને અર્ધ-તૈયાર ઉત્પાદનો માટે કાટવાળા અને અસ્વચ્છ કન્ટેનરનો ઉપયોગ થતો હતો.
જીવાતોનો મોટો ઉપદ્રવ જોવા મળ્યો અને કંટ્રોલ માટે પૂરતા પગલાં નહોતા.
બારીઓ અને ખુલ્લા ભાગો પર જંતુઓથી રક્ષણ આપતી મેશ (Insect-proof mesh) લગાડવામાં આવી ન હતી.
ઉત્પાદન ક્ષેત્રમાં કચરો, જૂનો સ્ટોક અને નકામી વસ્તુઓ પડેલી હતી.
તૂટેલા ટાઇલ્સ, ભેજવાળી દિવાલો અને કાટવાળા સાધનો જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, પાણી અને ફિનિશ્ડ પ્રોડક્ટની ટેસ્ટિંગ રિપોર્ટ, તાપમાન મોનિટરિંગ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને કર્મચારીઓની તાલીમ જેવા મહત્વપૂર્ણ રેકોર્ડ્સ પણ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા ન હતા.
એવરેસ્ટ જીરું પાવડર પ્રત્યે FSSAI ની લાલ આંખ
બીજી તરફ, FSSAI દ્વારા M/s એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (M/s Everest Food Products Private Limited) ના પ્રી-પેક્ડ જીરું પાવડર માટે પણ ગંભીર આદેશ જારી કરવામાં આવ્યો છે. ગોવા ખાતે આવેલા રિસોર્ટમાંથી આ પ્રોડક્ટનો નમૂનો લેવામાં આવ્યો હતો. ફૂડ એનિમિસ્ટના રિપોર્ટમાં આ પાવડરમાં ‘એઝોક્સીસ્ટ્રોબિન’ (Azoxystrobin) અને ‘થિયામેથોક્સમ’ (Thiamethoxam) નામના જંતુનાશકોની માત્રા નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોવાનું બહાર આવ્યું હતું.
નમૂનાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ “બિનસલામત” (UNSAFE) જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીની અપીલ બાદ આ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં પણ તે “અસુરક્ષિત” હોવાનું સાબિત થયું હતું.
બજારમાંથી પ્રોડક્ટ પાછી ખેંચવાની કાર્યવાહી
લેબોરેટરીના આ કડક રિપોર્ટ પછી, FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સને તાત્કાલિક ધોરણે તેમના પ્રી-પેક્ડ જીરું પાવડરનો આખો પ્રભાવિત બેચ (બેચ નંબર E080668761) બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપ્યો છે.
કંપનીને આ રીકોલ સંબંધિત તમામ રેકોર્ડ્સ સાચવવા અને નિર્ધારિત સમયમર્યાદામાં તેનો સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે, ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સુધારાત્મક પગલાં લેવા અને રિપોર્ટ જમા કરાવવા કડક નિર્દેશ આપ્યા છે. FSSAIનું આ પગલું દેશભરમાં ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવી રહ્યું છે.
