એશિયા કપ 2022: શ્રીલંકા છઠ્ઠી વખત બન્યુ ચેમ્પિયન, પાકિસ્તાનને હરાવ્યું

0
59

એશિયા કપ 2022માં શ્રીલંકા પાકિસ્તાનને 23 રને હરાવીને ચેમ્પિયન બની ગયુ છે. શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ આ પહેલા 1986,1997, 2004, 2008 અને 2014માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીલંકાને 6 વિકેટે 170 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ પાકિસ્તાનનું ત્રીજી વખત એશિયા કપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ.

શ્રીલંકા માટે પ્રમોદ મદુશને 4 અને વાનિંદુ હસરંગાએ 3 વિકેટ ઝડપી હતી.પાકિસ્તાન પાસેથી મળેલા 171 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાને 22ના સ્કોર પર સતત 2 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રમોદ મદુશને પહેલા તો કેપ્ટન બાબર આઝમ (5) અને ફખર જમાન (0)ને આઉટ કર્યા હતા. તે બાદ મોહમ્મદ રિઝવાન (55)ને ઇફ્તિખાર અહેમદ (32) સાથે ત્રીજી વિકેટ માટે 59 બોલમાં 71 રનની ભાગીદારી કરી હતી. ઇફ્તિખારે 31 બોલમાં 2 ફોર અને એક સિક્સર ફટકારી હતી, તેના આઉટ થયા બાદ મોહમ્મદ નવાઝ (6) પણ મદુશનનો ત્રીજો શીકાર બન્યો હતો.

પાકિસ્તાનને અંતિમ ચાર ઓવરમાં 61 રનની જરૂરત હતી અને રિઝવાન અડધી સદી ફટકારીને ક્રીઝ પર હતો પરંતુ ત્યારે વાનિંદુ હસરંગાએ રિઝવાનને બાઉન્ડ્રી પર કેચ કરાવીને પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો. રિઝવાને 49 બોલમાં ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. રિઝવાનના આઉટ થતા જ પાકિસ્તાનની ટીમ નિયમિત સમયે વિકેટ ગુમાવતી ગઇ હતી અને તે પડકારથી દૂર રહી ગઇ હતી. હસરંગાએ આ ઓવરમાં પાકિસ્તાનની ત્રણ વિકેટ ઝડપીને તેની કમર તોડી નાખી હતી.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ શ્રીલંકાની ઘાતક બોલિંગ સામે નિર્ધારિત 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગ પણ હારનું એક સૌથી મોટુ કારણ બની હતી. પાકિસ્તાનની ટીમે અનેક વખતે મિસ ફિલ્ડિંગ કરી હતી અને આસાન કેચ છોડી દીધા હતા.