ફ્રી ગિફ્ટ કરવી પડશે મોંઘી, 1 જુલાઈથી ભરવો પડશે 10 ટકા ટેક્સ, જાણો કોણ-કોણ આવશે દાયરામાં?

0
71

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે અંતર્ગત 1 જુલાઈ, 2022થી આપવામાં આવતી ફ્રીબીઝ પર 10 ટકા ટેક્સ લાગશે. નોંધનીય છે કે, હાલમાં પ્રમોશનના નામે પ્રભાવકો અને ડોકટરોને સીધા પૈસા ન આપીને મોંઘીદાટ ભેટ આપવામાં આવી રહી છે. જો કે, હવે ફ્રી ગિફ્ટ મેળવવી મોંઘી થવા જઈ રહી છે, કારણ કે હવે સરકાર મફતમાં આપવામાં આવતી ગિફ્ટને ટેક્સના નેટ હેઠળ રાખશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ફાઇનાન્સ એક્ટ 2022ની સેલ્સ પ્રમોશન ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે. આ કાયદામાં એક નવો ટેક્સ નિયમ ઉમેરવામાં આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પ્રભાવકો અને ડૉક્ટરોને મફત ભેટ પર TDS ચૂકવવાનું ફરજિયાત રહેશે. જો કે, CBDT એ સ્પષ્ટ કર્યું છે કે જો કંપની આપવામાં આવનારી ભેટ પરત કરે છે, તો તે ભેટો પર TDS લાગુ થશે નહીં.

CBDTએ કહ્યું કે કાર, મોબાઈલ, આઉટફિટ, કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ગિફ્ટ કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ઉત્પાદનો ઉપયોગ કર્યા પછી પરત કરવામાં આવે છે. આવા ઉત્પાદનોને CBDTના 194R કાયદાની બહાર રાખવામાં આવશે. પરંતુ જો ઉત્પાદનો પાછા લેવામાં ન આવે, તો તે વ્યક્તિની કમાણીના ભાગ રૂપે ઉમેરવામાં આવશે. આ કિસ્સામાં, તે વ્યક્તિએ 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

જેમના પર ટેક્સ લાગશે
કાર ભેટ
ટેલિવિઝન ભેટ
કમ્પ્યુટર ભેટ
સોનાનો સિક્કો ભેટ
મોબાઇલ ફોન ભેટ
વિદેશી ટિકિટ ભેટ
જો કંપની હોસ્પિટલ સ્ટાફ અને કન્સલ્ટન્ટને દવાનો મફત સેમ્પલ આપે છે તો તે TDSના દાયરામાં આવશે. CBDT અનુસાર, જો કોઈ ડૉક્ટર અથવા સલાહકારને ભેટ મળે છે, તો ટેક્સ હોસ્પિટલના ખર્ચમાં ઉમેરવામાં આવશે. આ પછી, હોસ્પિટલ તેના કર્મચારીઓના પગાર ખર્ચમાંથી ટેક્સ કાપી શકે છે.