ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, આ રાજ્યોમાં પણ વરસાદની આશંકા

0
65

હાલમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ચાલી રહેલા ભારે વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી. તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજધાની ચેન્નાઈમાં પણ પાણી ભરાવાને કારણે સ્થિતિ વણસી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે.

હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, રાયલસીમા અને દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં 11 થી 13 નવેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે કેરળ અને માહેમાં 15 નવેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે છે. IMD એ માહિતી આપી હતી કે તાજા પશ્ચિમી વિક્ષેપને કારણે, 13 અને 14 નવેમ્બરના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. આ અઠવાડિયે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવા વરસાદની અપેક્ષા છે.

દક્ષિણ ભારતીય રાજ્યમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની અપેક્ષા છે અને 5000 થી વધુ રાહત શિબિરો ગોઠવવામાં આવી છે. આ સાથે 2 હજારથી વધુ રાહતકર્મીઓની કેન્દ્રીય અને જિલ્લાની ટીમો તૈયાર રાખવામાં આવી છે. ચેન્નાઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી દૂર કરવા માટે 879 ડ્રેનેજ પંપ લગાવવામાં આવ્યા છે.

રાજ્યના તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, રાનીપેટ, વેલ્લોર, સાલેમ, નમાક્કલ, તિરુવન્નામલાઈ, કલ્લાકુરિચી અને રામનાથપુરમ જિલ્લામાં શાળાઓ બંધ કરવામાં આવી છે.