ચીન, જાપાન અને અમેરિકા… ઈરાન ડીલ પહેલાં વિશ્વના આ ૮ દેશોને કેમ લાગવા જઈ રહ્યો છે મોટો આંચકો?
વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં અત્યારે એક બહુ મોટા આર્થિક ભૂકંપની પિચ તૈયાર થઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ અને યુદ્ધની સ્થિતિ હવે અંતિમ તબક્કાની વાટાઘાટો તરફ આગળ વધી રહી છે. પરંતુ, આ સંભવિત પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર થાય તે પહેલાં જ તેહરાને (ઈરાને) વિશ્વના દેશો સામે એક એવી આકરી શરત મૂકી દીધી છે, જેણે ચીન, ભારત અને અમેરિકા સહિત ૮ દેશોની ઊંઘ ઉડાવી દીધી છે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા સાથે આ ડીલ ફાઇનલ કરવી હોય, તો વિવિધ દેશોમાં જપ્ત કરાયેલી તેની ૧૨૦ અબજ ડોલર (આશરે ૧૧.૪૯ લાખ કરોડ રૂપિયા) થી વધુની સંપત્તિ અને રોકડા નાણાં તાત્કાલિક મુક્ત કરવા પડશે. આ શરતને કારણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓના બેંકિંગ સેક્ટર, તેલ વેપાર અને વ્યૂહાત્મક આર્થિક નીતિઓ પર બહુ મોટી અસર પડવાની સંભાવના છે.
ડીલ ફાઇનલ થવાના આરે: શું છે વર્તમાન સ્થિતિ?
અહેવાલો અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ ગુપ્ત અને સત્તાવાર વાતચીત હવે તેના છેલ્લા ચરણમાં છે. બંને પક્ષો હાલમાં એક ‘મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ’ (MoU) ના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે, જે બાકી રહેલા તમામ વિવાદિત મુદ્દાઓનો કાયમી ઉકેલ લાવવા માટેનો રોડમેપ નક્કી કરશે.
જો કે, આ મામલે મિશ્ર પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ અંગે સાવચેતીપૂર્વક નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ડીલ હજુ પણ ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ (પ્રક્રિયા હેઠળ) છે. બીજી તરફ, અલજઝીરાના તેહરાન બ્યુરો ચીફનો દાવો છે કે ડીલ સૈદ્ધાંતિક રીતે ફાઇનલ થઈ ચૂકી છે, બસ હવે તેના પર સત્તાવાર દસ્તખત થવાના જ બાકી છે. પરંતુ આ બધી પ્રક્રિયા વચ્ચે ઈરાનની ‘નાણાં વાપસી’ ની શરતે નવો વળાંક લાવી દીધો છે.
ઈરાનના કેટલા પૈસા અને કયા દેશમાં ફસાયેલા છે?
વિદેશોમાં ફસાયેલી ઈરાનની જપ્ત સંપત્તિઓનો કોઈ સત્તાવાર અને એકદમ સચોટ આંકડો જાહેર કરાયો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય નિષ્ણાતો અને અલજઝીરાના રિપોર્ટ અનુસાર આ રકમ ૧૨૦ અબજ ડોલરથી પણ વધુ છે. ઈરાનનો આ મોટો ફંડ મુખ્યત્વે ૮ દેશોની બેંકોમાં ફ્રીઝ (જપ્ત) કરી દેવામાં આવ્યો છે:
ચીન: સૌથી વધુ રકમ ચીનમાં ફસાયેલી છે, જે અંદાજે ૨૦ અબજ ડોલર જેટલી છે.
કતાર: કતારની બેંકોમાં ઈરાનના આશરે ૧૨ અબજ ડોલર જમા છે.
ભારત: ભારતમાં ઈરાનના આશરે ૭ અબજ ડોલર (તેલ આયાતના બદલામાં ફસાયેલા પૈસા) અટકેલા છે.
ઇરાક: પાડોશી દેશ ઇરાકમાં પણ ઈરાનના લગભગ ૬ અબજ ડોલર ફસાયેલા છે.
અમેરિકા, જાપાન અને લક્ઝમબર્ગ: અમેરિકામાં ૧.૨ અબજ ડોલર, જ્યારે જાપાન અને લક્ઝમબર્ગમાં આશરે ૧.૫-૧.૫ અબજ ડોલરની સંપત્તિ જપ્ત છે.
તુર્કી અને અન્ય દેશો: આ સિવાય તુર્કી સહિતના કેટલાક અન્ય દેશોમાં પણ ઈરાનનું મોટું ભંડોળ અટવાયેલું છે.
કતારમાં ચાલી રહેલી રાજદ્વારી હલચલ અને ૬૦ દિવસનો યુદ્ધવિરામ
આ સંપત્તિઓને મુક્ત કરાવવા માટે અત્યારે કતાર દેશ મુખ્ય કેન્દ્રબિંદુ બન્યો છે. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બઘેર ગલિબાફ પોતે વાર્તા દળના પ્રમુખ તરીકે કતાર પહોંચ્યા છે. તેમની સાથે ઈરાનની સેન્ટ્રલ બેંકના વડા અબ્દોલનાસર હેમ્માટી પણ આ પ્રતિનિધિમંડળનો હિસ્સો છે, જેઓ જપ્ત સંપત્તિઓની વાપસીની આખી કાનૂની અને બેંકિંગ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
અનુસાર, અમેરિકા ઈરાનની વિદેશમાં જમા સંપત્તિઓનો એક મોટો હિસ્સો તબક્કાવાર મુક્ત કરવા માટે રાજી થઈ ગયું છે. તેના બદલામાં ઈરાને પણ નરમ વલણ અપનાવવું પડશે અને વૈશ્વિક તેલ વ્યાપારના સૌથી મહત્વના માર્ગ ગણાતા ‘હોર્મોઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) માં આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર પર લગાવેલા પ્રતિબંધો હટાવવા પડશે. રિપોર્ટ મુજબ, આ નવી પરમાણુ ડીલ હેઠળ ૬૦ દિવસના યુદ્ધવિરામ (Ceasefire) ગાળા દરમિયાન ઈરાનની જપ્ત સંપત્તિઓની મુક્તિ, આર્થિક પ્રતિબંધોમાં રાહત અને યુરેનિયમ સંવર્ધનને લગતા જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે.
આ ૮ દેશોને આર્થિક ઝટકો કેમ લાગશે?
જો આ પરમાણુ સમજૂતી આખરી ઓપ લેશે અને અમેરિકા ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટાવશે, તો આ તમામ ૮ દેશોએ કાનૂની રીતે ઈરાનના અબજો ડોલર તાત્કાલિક રીલીઝ કરવા પડશે. આ આકસ્મિક આર્થિક ફેરફારને કારણે ઘણા દેશોની બેંકિંગ સિસ્ટમ અને એનર્જી સ્ટ્રેટેજી (ઊર્જા વ્યુહરચના) પર સીધી અસર પડશે.
ચીન અને જાપાન જેવા દેશો, જેઓ ભૂતકાળમાં ઈરાની ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ના બહુ મોટા ખરીદદાર રહ્યા છે, તેમણે પોતાની સ્થાનિક આર્થિક નીતિઓમાં મોટા ફેરફારો કરવા પડશે. જ્યારે આ દેશોની બેંકોમાંથી અચાનક અબજો ડોલરનું ભંડોળ ઈરાન પરત ખેંચશે, ત્યારે વૈશ્વિક મની માર્કેટમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) નું સંતુલન ખોરવાઈ શકે છે.
આ નાણાંથી ઈરાનનું શું બદલાશે?
આંતરરાષ્ટ્રીય આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે જો ઈરાનને આ ૧૨૦ અબજ ડોલરની વિશાળ રકમ પાછી મળી જશે, તો તે પોતાની લાંબા સમયથી ખખડધજ થઈ ગયેલી અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે તેનો ઉપયોગ કરશે. આ નાણાંનો મોટો હિસ્સો ઈરાન પોતાના તેલ ઉત્પાદનની ક્ષમતા વધારવા, નવી ટેકનોલોજી લાવવા અને દેશના નબળા પડી ગયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટ કરવા માટે વાપરી શકે છે.

