ભારતમાં બજેટ સ્માર્ટફોન કેમ ગાયબ થઈ રહ્યા છે? નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખાયો સનસનીખેજ પત્ર
ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદન ક્ષેત્રે અકલ્પનીય પ્રગતિ થઈ રહી છે, પરંતુ તેની સરખામણીમાં સ્થાનિક બજારમાં સ્માર્ટફોનની માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાન ધ્યાનમાં રાખીને દેશના અગ્રણી મોબાઈલ ફોન ઉદ્યોગ સંગઠન ‘ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન’ (ICEA) એ કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વની માંગ રજૂ કરી છે. ICEA એ સરકારને મોબાઈલ ફોન પર લાગતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હાલના 18 ટકાથી ઘટાડીને સીધો 5 ટકા કરવા માટે વિનંતી કરી છે.

નાણા મંત્રીને લખાયેલો પત્ર: ઉત્પાદનમાં આગળ, પણ સ્થાનિક વપરાશમાં પાછળ
ICEA એ નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખેલા એક સત્તાવાર પત્રમાં દેશના મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રના આંકડા રજૂ કર્યા હતા. સંગઠને નોંધ્યું છે કે ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત આજે સમગ્ર વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ બની ગયો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશમાંથી નિકાસ થતી તમામ વસ્તુઓમાં મોબાઈલ ફોન સૌથી અગ્રણી સ્થાને રહ્યો છે.
જોકે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના મોટાભાગના અગ્રણી ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે કે જે ઝડપે દેશમાં ઉત્પાદન અને નિકાસ (Export) વધ્યા છે, તે સરખામણીએ દેશની અંદર મોબાઈલની સ્થાનિક માંગ વધી નથી. લોકોમાં નવો ફોન ખરીદવાનો ઉત્સાહ ઘટ્યો છે, જુનો ફોન બદલવાનો સમયગાળો (Replacement Cycle) લંબાયો છે અને ખાસ કરીને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ અત્યારે ખૂબ મોટા આર્થિક દબાણમાંથી પસાર થઈ રહ્યું છે.
ટેક્સ ઘટાડવાની માંગ અને નકલી બજાર પર લગામ
ICEA ના ચેરમેન પંકજ મોહિન્દ્રાએ પોતાના પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ભારત પોતાના સ્થાનિક બજારમાં વેચાણને ફરીથી વેગ નહીં આપે, ત્યાં સુધી મોબાઈલ ઉત્પાદન વૃદ્ધિનો આગામી તબક્કો જોખમમાં રહેશે. આ અસંતુલનને દૂર કરવા માટે સરકારે મોબાઈલ ફોન પરનો GST દર 18% થી ઘટાડીને 5% કરવો જોઈએ. આ સાથે જ મોબાઈલના સ્પેરપાર્ટ્સ અને પાર્ટ્સ પર લાગતા ટેક્સના દરોમાં પણ યોગ્ય સુધારો કરવો જરૂરી છે.
ટેક્સના દરો ઘટવાથી થનારા ફાયદાઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, GST નો દર ઓછો થવાથી ગેરકાયદેસર અને અનૌપચારિક (Black Market) રીતે મોબાઈલ વેચતા વિક્રેતાઓને મળતો ગેરવાજબી લાભ બંધ થઈ જશે. જ્યારે ટેક્સ વાજબી હશે ત્યારે ગ્રાહકો માન્ય અને કર-ચુકવણી કરતા સત્તાવાર સ્ટોર્સમાંથી જ ખરીદી કરવાનું પસંદ કરશે. આનાથી દેશના ઔપચારિક ટેક્સ બેઝમાં વધારો થશે અને તમામ નાણાકીય ટ્રાન્ઝેક્શન પર યોગ્ય નજર રાખી શકાશે.

ભારતમાં આઈફોનનું ઉત્પાદન છતાં કિંમતો આસમાને કેમ?
ભારતમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ સફરજનની પ્રખ્યાત કંપની Apple ના આઈફોનનું મોટા પાયે નિર્માણ થઈ રહ્યું છે, છતાં પણ દેશના સામાન્ય ગ્રાહકો માટે આઈફોન ખરીદવો ખૂબ મોંઘો સાબિત થઈ રહ્યો છે. ICEA ના અહેવાલ મુજબ, આઈફોનનું ઉત્પાદન દેશમાં થવા છતાં ઊંચા ટેક્સ સ્ટ્રક્ચર અને યુએસ ડોલરની સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થયેલા ધોવાણને કારણે તેની કિંમતો ઘણી વધારે રહે છે.
તાજેતરમાં લોન્ચ થયેલી iPhone 18 સીરીઝ અને iPhone Duo ના મોડલ્સની સરખામણી કરવામાં આવે તો, અમેરિકાની સરખામણીએ ભારતમાં આ ફોન્સ આશરે ₹40,000 થી લઈને ₹1.15 લાખ સુધી મોંઘા વેચાઈ રહ્યા છે. આ મોંઘવારી પાછળ પણ મુખ્ય કારણ ટેક્સનું ઊંચું પ્રમાણ છે.
બજેટ સ્માર્ટફોન ગાયબ: ભાવમાં 35 થી 45 ટકાનો અધધ વધારો
વર્ષ 2020 ની શરૂઆતમાં દેશમાં મોબાઈલ ફોન પરનો GST દર 12 ટકા હતો, જેને એપ્રિલ 2020 માં વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો માટે ડિજિટલ યુગમાં જોડાવા માટેનું સૌથી પ્રાથમિક સાધન એટલે કે સ્માર્ટફોન ખરીદવો મોંઘો થઈ ગયો.
છેલ્લા એક વર્ષના આંકડા દર્શાવે છે કે ભારતમાં વિવિધ બ્રાન્ડ્સના એન્ટ્રી-લેવલ (શરૂઆતી) સ્માર્ટફોનની કિંમતોમાં આશરે 35% થી 45% સુધીનો અધધ વધારો થયો છે. આ કિંમત વધારાનું સૌથી મોટું પરિણામ એ આવ્યું છે કે એક સમયે ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતા ₹10,000 થી ઓછી કિંમત ધરાવતા બજેટ સ્માર્ટફોનનો હિસ્સો હવે ઘટીને માત્ર 5 ટકાથી પણ ઓછો રહી ગયો છે.
