ગામડાની શાળાથી સ્પેસ ટેકનોલોજી સુધી: ૧૦૮ દેશોની વિદ્યાર્થીનીઓ સાથે સેટેલાઇટ ડિઝાઇનિંગ શીખી વિપા બારિયા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટા સપના માત્ર મોટા શહેરોમાં જ સકાર થઈ શકે છે, પરંતુ દ્રઢ સંકલ્પ, અથાક મહેનત અને યોગ્ય માર્ગદર્શન જો મળે, તો ગામડાના ખૂણેથી નીકળેલી પ્રતિભા પણ વિશ્વમંચ પર પોતાનો ડંકો વાગાડી શકે છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નાનકડા પઢારા ગામની દીકરી વિપા બારિયાએ આ વાત અક્ષરશઃ સાચવી બતાવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરના ‘મિશન શક્તિસેટ’ (Mission ShaktiSAT) અંતર્ગત સમગ્ર ભારતમાંથી પસંદ કરવામાં આવેલા ૨૦ અતિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી પસંદગી પામનારી વિપા એકમાત્ર વિદ્યાર્થિની છે. એક આદિવાસી વિસ્તારના સાધારણ પરિવારમાંથી આવતી દીકરીની આ સિદ્ધિ માત્ર મહીસાગર કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

પ્રાથમિક અભ્યાસથી લઈને સપનાને પાંખો આપવા સુધીની સફર
વિપા બારિયા હાલમાં પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા વેજલપુર સ્થિત ‘એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’ (EMRS) માં ધોરણ-૧૧ સાયન્સ (એ-ગ્રૂપ) માં અભ્યાસ કરી રહી છે. તેને બાળપણથી જ અવકાશ વિજ્ઞાન (Space Science), રાત્રે આકાશમાં ચમકતા તારાઓ અને બ્રહ્માંડના રહસ્યો જાણવામાં ભારે જિજ્ઞાસા હતી. વિપાનું સપનું ભવિષ્યમાં એરોનોટિકલ એન્જિનિયર, ફાઇટર પાયલટ અથવા સ્પેસ સાયન્ટિસ્ટ (એસ્ટ્રોનોટ) બનવાનું છે.
તેની આ સફળતા પાછળ તેના પરિવાર અને શિક્ષકોનો મોટો હાથ રહ્યો છે. વિપાના પિતા ગુલાબભાઈ બારિયા પોતે પ્રાથમિક શાળામાં ધોરણ-૩ થી ૫ ના બાળકોને ગણિત અને પર્યાવરણ વિષય ભણાવે છે. એક શિક્ષક પિતા હોવાના નાતે તેમણે પોતાની પુત્રીની જિજ્ઞાસાને ક્યારેય દબાવા દીધી નથી અને આર્થિક સીમાઓ હોવા છતાં તેને હંમેશાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે. આ ઉપરાંત, શાળાના શિક્ષિકા અને વિપાના મેન્ટર દિપીકા શર્માએ પણ તેની ટેલેન્ટને ઓળખીને તેને યોગ્ય દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
૧૦૮ દેશોની વિદ્યાર્થીનીઓ સાથે સેટેલાઇટ ટેકનોલોજીની તાલીમ
‘સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા’ (Space Kidz India) દ્વારા આયોજિત ‘મિશન શક્તિસેટ’ અંતર્ગત વિપાની પસંદગી એક અત્યંત જટિલ પ્રક્રિયા બાદ થઈ હતી. આ મિશનના ભાગરૂપે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આવેલી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ૨૨ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ૧૦ દિવસની ખાસ આંતરરાષ્ટ્રીય કાર્યશાળા (Workshop) નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું કેનવાસ કેટલું વિશાળ હતું તેનું અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં વિશ્વના ૧૦૮ દેશોની અંદાજે ૧૨ હજાર જેટલી તેજસ્વી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન વિપાએ અન્ય દેશોની વિદ્યાર્થીનીઓ સાથે મળીને સેટેલાઇટ કઈ રીતે ડિઝાઈન થાય છે, તેની કોડિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને સેટેલાઇટના અલગ-અલગ પાર્ટ્સને કઈ રીતે એસેમ્બલ કરવામાં આવે છે તેની પ્રેક્ટિકલ તાલીમ મેળવી હતી. આ વર્કશોપમાં વિપાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને ખાસ એવોર્ડ અને ટ્રોફી આપીને સન્માનિત પણ કરવામાં આવી હતી.
પોતાના અનુભવ વિશે વાત કરતા વિપાએ જણાવ્યું હતું કે, “અંતરિક્ષ વિજ્ઞાન અને સેટેલાઇટ ટેકનોલોજી વિશે વધુમાં વધુ શીખવાની મને નાનપણથી જ ઈચ્છા હતી. મિશન શક્તિસેટ માટે મારી પસંદગી થવી અને ઇસરો જેવા દેશના સર્વોચ્ચ સ્પેસ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાવાની તક મળવી એ મારા માટે મારું સપનું સાકાર થવા સમાન છે.” તેણે ઉમેર્યું હતું કે શાળાના શિક્ષકોની મદદથી તેણે સ્પર્ધાના પહેલા જ તબક્કામાં ૨૧ મોડ્યુલ્સ અને ૫૫૦ લેસન ધરાવતો કઠિન અભ્યાસક્રમ સમયમર્યાદામાં પૂરો કરી લીધો હતો.
ઇસરો (ISRO) ની મુલાકાત અને ભવિષ્યના અવકાશ મિશનની તૈયારી
આ આંતરરાષ્ટ્રીય તાલીમ બાદ પણ વિપાની આ સફર અટકી નથી. કાર્યક્રમની આગળની શ્રેણી તરીકે વિપાને ૨૬ થી ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હી ખાતે ‘વાયાસેટ’ (Viasat) દ્વારા આયોજિત વૈશ્વિક સ્પેસ ટેકનોલોજી ઈવેન્ટમાં ભાગ લેવાની ઉત્તમ તક મળી છે.
આગામી સમયમાં જ્યારે આ સેટેલાઇટના પ્રક્ષેપણ (Launch) ની તારીખ જાહેર થશે, ત્યારે વિપાને આંધ્રપ્રદેશના હરિકોટા સ્થિત ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાત લેવાનો અવસર પણ મળશે. આ મિશન અંતર્ગત જે સેટેલાઇટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમાંથી એક સેટેલાઇટ ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે, જ્યારે બીજો સેટેલાઇટ ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ કરીને મહત્વપૂર્ણ ડેટા મોકલશે.
આદિજાતિ વિકાસ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ નો સંકલ્પ
ગામડાની શાળામાંથી નીકળીને અવકાશ વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી વિપા બારિયાની આ સફર આજે દેશના લાખો બાળકો અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. પિતાનું પ્રોત્સાહન, શિક્ષકોનું યોગ્ય સપોર્ટ અને પોતાની મહેનતના બળે તેણે સાબિત કર્યું છે કે પ્રતિભા કોઈ વિસ્તાર કે પરિસ્થિતિની મોહતાજ હોતી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા માટે આદિજાતિ વિસ્તારોના બાળકોને આધુનિક શિક્ષણ અને સમાન તકો પૂરી પાડવામાં આવી રહી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) જેવી સંસ્થાઓ છેવાડાના આદિવાસી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ આપી રહી છે.
રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં આધુનિક લેબ્સ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે. આ સાથે જ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓના પરિણામે આજે આદિવાસી સમાજના બાળકો દેશ-વિદેશમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે.
