El Mencho મેક્સિકોના સૌથી ખતરનાક અને શક્તિશાળી ડ્રગ કાર્ટેલ ‘જાલિસ્કો ન્યૂ જનરેશન’ (CJNG) ના નેતા નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાન્ટેસ, જે ‘એલ મેન્ચો’ (El Mencho) તરીકે ઓળખાતો હતો, તેને મેક્સિકોની સેનાએ એક મોટા ઓપરેશનમાં ઠાર માર્યો છે. રવિવારે જાલિસ્કો રાજ્યના તાપાલપા વિસ્તારમાં સેના અને કાર્ટેલના સભ્યો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં અલ મેન્ચો ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટી લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. આ ઓપરેશનમાં અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ પણ મહત્વની માહિતી આપી હતી.
એલ મેન્ચોના મોત સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર જાલિસ્કો રાજ્ય અને આસપાસના વિસ્તારોમાં ભારે હિંસા ફાટી નીકળી છે. ગુસ્સે ભરાયેલા કાર્ટેલ સભ્યોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે અને મોટા હાઈવે બ્લોક કરી દીધા છે. હિંસાની આ ભયાનક સ્થિતિને જોતા પ્યુર્ટો વેલાર્ટા અને ગ્વાડાલજારા જેવા પ્રવાસન સ્થળોએ ભારે અફરાતફરીનો માહોલ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે લોકોને શાંતિ જાળવવા અને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. હિંસાને કારણે સોમવારે જાલિસ્કોની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ ઘટનાની અસર આંતરરાષ્ટ્રીય પર્યટન પર પણ પડી છે. યુનાઈટેડ એરલાઈન્સ, એર કેનેડા અને સાઉથવેસ્ટ જેવી મોટી એરલાઈન્સે સુરક્ષાના કારણોસર પ્યુર્ટો વેલાર્ટા અને ગ્વાડાલજારા જતી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. અમેરિકા અને કેનેડાની એમ્બેસીએ તેમના નાગરિકો માટે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે અને તેમને સલામત સ્થળે આશરો લેવા સૂચના આપી છે. ગ્વાડાલજારા એરપોર્ટ પર અત્યારે સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે, પરંતુ રસ્તાઓ બ્લોક હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે.
અલ મેન્ચો વિશ્વનો સૌથી મોટો ડ્રગ લોર્ડ ગણાતો હતો અને અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું હતું. તેના મોતના સમાચારને અમેરિકાએ એક “મોટી સફળતા” ગણાવી છે. જોકે, તેના ગયા પછી હવે મેક્સિકોમાં કાર્ટેલ વચ્ચે વર્ચસ્વની લડાઈ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
