ઓપરેશન હાર્દિકનું અલ્પેશ ઠાકોરમાં રિ-રન: ઠાકોર સેનાનું પડીકું વાળવાનો તખ્તો તૈયાર?

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના વિશ્વાસુઓને ભાજપમાં ખેંચી લાવવાનું ઓપેરશન થયું હતું તેવી જ રીતે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું પણ એ જ તર્જ પર પડીકું વાળી દેવાનો તખ્તો ગોઠવાયો હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાસના કેટલાક યુવાનોને હાર્દિક પટેલથી દુર કરી દેવાનો ખેલ કરવામાં આવ્યો હતો. આ ખેલ સુરતથી થયો હોવાનું કહેવાય છે. હાર્દિક પટેલ એકલો તો પડ્યો નહીં પણ વધુ મજબૂતાઈથી યુવા નેતા તરીકે બહાર આવ્યો અને આ વાત ભાજપના નેતાઓના માથા પર ગોફણની જેમ આજ દિન સુધી વિંઝાઈ રહી છે અને આવનાર દાયકાઓ સુધી વિંઝાયા કરશે.

હાલ સરકાર અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી કરવાની તજવીજ અને સ્થિતિના લેખા-જોખા કરી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અલ્પેશને ભડકાઉ ભાષણના કેસમાફીટ કરવા કે નહીં તેની વિચારણા ઉચ્ચ સ્તરે ચાલી રહી છે. પરંતુ સરકાર માટે સ્થિતિ એ છે કે અલ્પેશની વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવે તો રખેને હાર્દિક પટેલની જેમ વધુ મજબૂતાઈ સાથે બહાર આવે.

કોંગ્રેસે પણ પહેલી વખત એકજૂટતાનો પરિચય કરાવ્યો છે. કોંગ્રેસના તમામ નેતાઓએ અલ્પેશ ઠાકોરની તરફેણમાં નિવેદન આપ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસમાં કોઈ નેતા વિવાદમાં ઘેરાય તો એનો વ્યક્તિગત મામલો હોવાનું જણાવી હાથ ખંખેરી નાંખવામાં આવતા હતા. પણ અલ્પેશ ઠાકોરના કેસમાં કોંગ્રેસે એકી અવાજે અલ્પેશની તરફેણ કરી છે વાસ્તે ભાજપની નેતાગીરી કેસ કરવાના મામલે બેરફૂટ પર જણાય છે.

હા, કોંગ્રેસના નેતાઓ આજે પણ માને છે ગાંધીનગર નગરપાલિકામા અલ્પેશ પિતા ખોડાજી ઠાકોર દ્વારા કોંગ્રેસને સત્તાથી વંચિત રાખવામાં આવી તે કોઈ પણ રીતે ચાલી શકે એમ નથી. ભાજપ સાથે મળીને કોંગ્રેસને સત્તાથી દુર રાખવામાં આવી તેના કારણે પણ કોંગ્રેસમાં અલ્પેશ અને તેમના પિતા ખોડાજી ઠાકોર સામે મોટાપાયા પર રોષ છે અને ખોડાજી ઠાકોર પાસે આનો કોઈ જવાબ નથી.

અલ્પેશને ઘેરી તેમનો ભાજપ પ્રવેશ કરાવવાની રમતના ભાગરૂપે પણ આખાય મામલાને જોડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વસતા પરપ્રાંતીયો દ્વારા થતા ગુનાઓનું પ્રમાણે દિવસેને દિવસે વધતું જાય છે. તેવા સંજોગોમાં અલ્પેશની ધરપકડ ભાજપ માટે ગુજરાતીઓમાં વિઘાતક અસર પાડી શકે છે.

હાર્દિકનું ઓપરેશન કરી તેને રાજકીય રીતે એકલો પાડી દેવાની રાજરમત અલ્પેશ ઠાકોરમાં સફળ થાય છે કે નહી તે તો આવનાર સમય જ કહી શકે એમ છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com