ઓરેકલ (Oracle) માં ફરી એકવાર છટણીની તૈયારી: AI પાછળ અબજો ડોલરના દેવા વચ્ચે કર્મચારીઓ પર કટોકટી
વૈશ્વિક ક્લાઉડ અને સોફ્ટવેર ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) ફરી એકવાર પોતાના કર્મચારીઓની સંખ્યામાં મોટા પાયે કાપ મૂકવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક તરફ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અબજો ડોલરનું આંધળું રોકાણ કરી રહી છે, તો બીજી તરફ પોતાના ખર્ચ અને પેરોલ (કર્મચારીઓના પગાર) ઘટાડવા માટે છટણીનો સહારો લઈ રહી છે.
‘બિઝનેસ ઇનસાઇડર’ ના અહેવાલ મુજબ, આ યોજનાથી માહિતગાર સૂત્રો અને કંપનીના આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે ઓરેકલની કેટલીક ચોક્કસ ટીમોમાંથી બે આંકડામાં (Double-digit percentage) એટલે કે ૧૦ ટકા કે તેથી વધુ કર્મચારીઓની છટણી થઈ શકે છે.
મેનેજરો પાસે મંગાવાઈ યાદી, ૧ સપ્ટેમ્બર સુધીમાં અમલની તૈયારી
અહેવાલમાં જણાવાયા અનુસાર, ઓરેકલે પોતાના વિવિધ વિભાગોના મેનેજરોને એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા જણાવ્યું છે જેમને આ છટણીની અસર થઈ શકે છે. કંપની પોતાના બીજા ક્વાર્ટરની શરૂઆત એટલે કે ૧ સપ્ટેમ્બર સુધીમાં જ પોતાના પેરોલમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે.
મહત્વની બાબત એ છે કે આ છટણી એવા સમયે આવી રહી છે જ્યારે થોડા મહિનાઓ પહેલા જ ઓરેકલે પોતાના વૈશ્વિક વર્કફોર્સમાં મોટો કાપ મૂક્યો હતો. ૩૧ મે ૨૦૨૬ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યામાં ૨૧,૦૦૦ નો ઘટાડો થયો હતો, જે તેના કુલ વર્કફોર્સના ૧૩% જેટલો હતો. હાલમાં ઓરેકલમાં આશરે ૧,૪૧,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે, પરંતુ ટૂંક સમયમાં જ આ આંકડો વધુ નીચે આવી શકે છે.

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડોલરનું આંધળું રોકાણ
હાલમાં સમગ્ર આઇટી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારે માંગ છે. ઓરેકલ પણ નવી પેઢીની AI સેવાઓ માટે જરૂરી ડેટા સેન્ટર્સ બનાવવા, હાઇ-એન્ડ ચિપ્સ ખરીદવા અને કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહી છે.
ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા માટે કંપની પોતાના કેપિટલ એક્સપેન્ડિચર (CapEx) માં સતત વધારો કરી રહી છે. પરંતુ બીજી તરફ, શેરબજારના રોકાણકારો તરફથી કંપનીના નફાકારકતા (Profitability) ના માર્જિન જાળવી રાખવા માટે ભારે દબાણ છે. આ જ કારણ છે કે કંપની એક તરફ ડેટા સેન્ટર્સ પાછળ અબજો ડોલર ખર્ચી રહી છે અને બીજી તરફ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરીને ખર્ચ બચાવવાના પ્રયાસો કરી રહી છે.
કમાણી કરતાં ખર્ચ વધુ: અબજો ડોલરના દેવાના ડુંગર હેઠળ ઓરેકલ
ઓરેકલના નાણાકીય આંકડાઓ તેની કથળતી આર્થિક સ્થિતિ અને વધતા દેવા તરફ નિર્દેશ કરે છે. ‘બિઝનેસ ઇનસાઇડર’ અનુસાર:
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ: નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન ઓરેકલે નવા ડેટા સેન્ટર્સ અને AI ટેકનોલોજી ઊભી કરવા માટે કુલ ૫૫.૭ અબજ ડોલર નો જંગી ખર્ચ કર્યો હતો.
રોકડની કટોકટી: આ વર્ષ દરમિયાન કંપનીની આવક (Cash Inflow) કરતાં તેનો ખર્ચ ૨૩.૭ અબજ ડોલર વધુ રહ્યો હતો.
દેવું અને શેરોનું વેચાણ: આ જંગી ખર્ચ અને વિસ્તરણને પહોંચી વળવા માટે ઓરેકલે નાણાકીય વર્ષ ૨૦૨૬માં બોન્ડ્સ અને દેવા દ્વારા ૪૩ અબજ ડોલર એકત્ર કર્યા હતા, જ્યારે સ્ટોક વેચાણ દ્વારા અન્ય ૫ અબજ ડોલર એકત્ર કર્યા હતા.
આટલું દેવું કર્યા પછી પણ કંપની અટકી નથી. ઓરેકલ ચાલુ નાણાકીય વર્ષમાં ઇક્વિટી અને બોન્ડ્સના માધ્યમથી વધુ ૪૦ અબજ ડોલર નું દેવું ઊભું કરવાની યોજના બનાવી રહી છે.
ટેકનોલોજી સેક્ટરમાં છટણીનો નવો ટ્રેન્ડ: AI વિરુદ્ધ માનવ સંસાધન
ઓરેકલની આ સ્થિતિ આખી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા એક નવા અને ચિંતાજનક ટ્રેન્ડને ઉજાગર કરે છે. અગાઉ કંપનીઓ પોતાના બિઝનેસ અને કર્મચારીઓ વધારવા માટે રોકાણ કરતી હતી. પરંતુ હવે મોટી ટેક કંપનીઓ (Big Tech) પોતાનું તમામ રોકાણ AI ચિપ્સ, સર્વર્સ અને ડેટા સેન્ટર્સમાં ટ્રાન્સફર કરી રહી છે.

AI ટૂલ્સના કારણે અંદરના કામકાજ ઓટોમેટ થઈ રહ્યા છે, જેના કારણે માનવ સંસાધનની જરૂરિયાત ઘટી રહી છે. પરિણામે, ઓરેકલ જેવી કંપનીઓ AI રેશમાં આગળ રહેવા માટે કર્મચારીઓના પગારમાંથી બચત કરીને તે રકમ AI હાર્ડવેરમાં રોકી રહી છે.
કર્મચારીઓ માટે અસુરક્ષાનો માહોલ
ઓરેકલના આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારતમાં કામ કરતા આઇટી પ્રોફેસનલ્સમાં ભારે અસુરક્ષા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ભૂતકાળમાં પણ ઓરેકલ ઈન્ડિયામાંથી સેંકડો કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. ૧ સપ્ટેમ્બર નજીક આવી રહી હોવાથી કયા કયા વિભાગો (જેમ કે ક્લાઉડ, આઈટી, કે સેલ્સ) પર આ છટણીની સૌથી વધુ અસર પડશે તેને લઈને કર્મચારીઓમાં અસમંજસની સ્થિતિ છે.