AAP થી અલગ થવાની આટલી મોટી સજા? રાઘવ ચઢ્ઢાએ પંજાબ સરકાર પર લગાવ્યા ભયાનક આક્ષેપ!
ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ તૈયાર કરવામાં આવેલી ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલમાં તેમની એન્ટ્રી આગળ “કાયમી ધોરણે સ્થળાંતરિત” (Permanently Shifted) લખવામાં આવ્યું છે.
આ ઘટના સામે આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર ચૂંટણી સુધારણા પ્રક્રિયાનો ઉપયોગ “રાજકીય વેરઝેર” (Political Vendetta) માટે કરી રહી છે. તેમનું વોટર આઈડી મોહાલીમાં નોંધાયેલું હોવા છતાં તેમનું નામ આ રીતે યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
‘બદલાની રાજનીતિ હવે મતદાર યાદી સુધી પહોંચી’: રાઘવ ચઢ્ઢાનો આકરો પ્રહાર
રાઘવ ચઢ્ઢાએ પંજાબ સરકારના આ વલણ સામે ભારે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પંજાબની આપ સરકારે હવે પોતાની બદલાની રાજનીતિને ડ્રાફ્ટ મતદાર યાદી સુધી પહોંચાડી દીધી છે. હું પંજાબમાંથી જ રાજ્યસભાનો સક્રિય સાંસદ છું અને મારું વોટર આઈડી મોહાલી, પંજાબમાં નોંધાયેલું છે. આમ છતાં, ડ્રાફ્ટ મતદાર યાદીમાં મારું નામ ‘શિફ્ટેડ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જે અત્યંત આશ્ચર્યજનક છે.”
The AAP government in Punjab has now taken its politics of revenge to the Draft Electoral Rolls.
I am a sitting Rajya Sabha MP from Punjab, with my voter ID registered in Mohali, Punjab. Yet my name has been classified as “shifted” in the draft electoral rolls.
Thankfully,… pic.twitter.com/laAFAAWYiQ
— Raghav Chadha (@raghav_chadha) September 3, 2026
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ આ ભૂલને હજુ પણ સુધારી શકાય તેમ છે. આ પ્રક્રિયામાં આખરી મતદાર યાદી બહાર પડે તે પહેલાં મતદારોને પોતાના દાવા અને વાંધા (Claims and Objections) રજૂ કરવાની તક આપવામાં આવે છે, જે અંતર્ગત તેઓ આ અંગે યોગ્ય રજૂઆત કરશે.
અધિકારીઓ પર રાજકીય દબાણનો આક્ષેપ
ભાજપના સાંસદે આ સુધારણા પ્રક્રિયામાં જોડાયેલા સ્થાનિક અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રિવિઝનની કામગીરી કરતા અધિકારીઓ પર રાજકીય દબાણ હોઈ શકે છે, કારણ કે તેમની બદલી અને પોસ્ટિંગ રાજ્ય સરકારના હાથમાં હોય છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારથી તેમણે આપ (AAP) છોડી છે, ત્યારથી પક્ષનું નેતૃત્વ ગુસ્સામાં છે. જે લોકો શાંત રહેવાનો કે ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, તેમની સામે પંજાબ પોલીસ અને રાજ્યના વહીવટી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો.
“આપ છોડીને ભાજપમાં જોડાયેલા અન્ય સાંસદોને પણ પંજાબ સરકાર દ્વારા આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. મતદાર યાદીમાં આ ખોટું વર્ગીકરણ એ રાજકીય વેરઝેરની શ્રેણીમાં જ એક નવું પગલું છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
રાઘવ ચઢ્ઢાની વોટર રજિસ્ટ્રેશન હિસ્ટ્રી
ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા શરૂઆતમાં દિલ્હીમાં મતદાર તરીકે નોંધાયેલા હતા. જ્યારે તેમણે 2022 માં પંજાબમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી, ત્યારબાદ તેમણે પોતાની મતદાર નોંધણી પંજાબના મોહાલી ખાતે સ્થળાંતરિત કરી હતી.
વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે મોહાલીમાં જ પોતાનો મત આપ્યો હતો. તેથી, આટલા ટૂંકા ગાળામાં તેમના નામને કાયમી ધોરણે ‘સ્થળાંતરિત’ દર્શાવવા પાછળ કોઈ મોટું રાજકીય કારણ હોવાનું ભાજપ નેતાનું માનવું છે.
