RailOne એપની ધૂમ વચ્ચે ભારતીય રેલવેનો મેગા પ્લાન: તત્કાલ બુકિંગ વખતે સર્વર ક્રેેશ થવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ
ભારતીય રેલવે આગામી સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રે એક ઐતિહાસિક કદમ ઉઠાવવા જઈ રહી છે. વર્ષોથી જે ટિકિટ બુકિંગ સિસ્ટમના ભરોસે દેશના કરોડો નાગરિકો મુસાફરી કરતા હતા, તે વ્યવસ્થા હવે હંમેશાં માટે બદલાવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે દેશના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ભાગરૂપે આશરે ચાર દાયકા જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ને નિવૃત્ત કરવાનો આખરી નિર્ણય લીધો છે. તેના સ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ અત્યંત આધુનિક અને સુપરફાસ્ટ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવશે.
ભારતીય રેલવે દેશની જીવાદોરી સમાન છે. દરરોજ લાખો-કરોડો મુસાફરો ટ્રેન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. મુસાફરોની આ સફરને વધુ સ્માર્ટ, સરળ અને ઝંઝટમુક્ત બનાવવા માટે રેલવે ઓગસ્ટ મહિનાથી પોતાની આશરે ૪૦ વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. ૧૯૮”૬ થી સતત કાર્યરત એવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ને હટાવીને તેના સ્થાને નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ લાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ રેલ ભવન ખાતે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે આ તબક્કાવાર ટ્રાન્સફોર્મેશન દરમિયાન મુસાફરોને ટિકિટ બુકિંગમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ અડચણ આવવી જોઈએ નહીં.
૧૯૮૬ ની સિઝનથી શરૂ થયેલી સફરનો અંત
હાલમાં જે રિઝર્વેશન માળખાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનો પાયો ૧૯૮૬ માં નાખવામાં આવ્યો હતો. આ ચાર દાયકા દરમિયાન ટેકનોલોજી ઘણી બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૦૨ માં જ્યારે રેલવેએ ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગની શરૂઆત કરી ત્યારે યુઝર્સની સંખ્યા મર્યાદિત હતી. પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે દેશની અંદાજે ૮૮ ટકા રેલવે ટિકિટો ઓનલાઈન માધ્યમથી બુક થાય છે. ડિજિટલ ટ્રાફિકના આ અસાધારણ વધારાને કારણે જૂની સિસ્ટમ પર દબાણ વધતું હતું, જેથી હવે સંપૂર્ણપણે આધુનિક નેટવર્ક ઊભું કરવું અનિવાર્ય બન્યું છે.
તત્કાલ બુકિંગ અને તહેવારોના ધસારામાંથી મુક્તિ
સામાન્ય રીતે દિવાળી, છઠ પૂજા કે ઉનાળાના વેકેશન દરમિયાન તેમજ રોજ સવારે ૧૦ અને ૧૧ વાગ્યે તત્કાલ ટિકિટ બુકિંગ ઓપન થાય ત્યારે આઈઆરસીટીસી (IRCTC) ના સર્વર પર ભારે દબાણ આવે છે. ઘણીવાર વેબસાઈટ ધીમી પડી જાય છે અથવા પેમેન્ટ ફેલ થઈ જવાની ફરિયાદો ઉઠે છે. રેલવેના સત્તાવાર દાવા મુજબ, ઓગસ્ટથી તબક્કાવાર રીતે ટ્રેનોને જે નવી આધુનિક સિસ્ટમ પર શિફ્ટ કરવામાં આવશે, તેની ડેટા પ્રોસેસિંગ ક્ષમતા હાલની સિસ્ટમ કરતાં ઘણી ગણી વધારે છે. આના કારણે સર્વર ક્રેેશ થવાની કે વેબસાઈટ હેંગ થવાની સમસ્યાઓ કાયમ માટે ભૂતકાળ બની જશે અને મુસાફરો સેકન્ડોમાં ટિકિટ બુક કરી શકશે.
‘RailOne’ એપનો અભૂતપૂર્વ પ્રકોપ
રેલવેના આ ડિજિટલ મિશનમાં ગયા વર્ષે જુલાઈ ૨૦૨૫ માં લોન્ચ કરાયેલી સત્તાવાર ‘RailOne’ એપ મુખ્ય હથિયાર સાબિત થઈ છે. એક વર્ષથી પણ ઓછા ગાળામાં આ એપને ૩.૫ કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આ સિંગલ પ્લેટફોર્મ એપ દ્વારા મુસાફરો માત્ર ટિકિટ બુક કે કેન્સલ જ નથી કરતા, પરંતુ ટ્રેનનું લાઈવ લોકેશન, પ્લેટફોર્મ નંબર અને કોચની પોઝિશન પણ લાઈવ ચેક કરી શકે છે. હાલમાં આ એપ દ્વારા દરરોજ આશરે ૯.૨૯ લાખ ટિકિટો સફળતાપૂર્વક બુક થઈ રહી છે, જેમાં ૭.૨ લાખ અનરિઝર્વ્ડ અને ૨.૦૯ લાખ રિઝર્વ્ડ ટિકિટોનો સમાવેશ થાય છે.
૯૪% સચોટતા સાથે કામ કરશે નવું AI ફીચર
નવી બુકિંગ સિસ્ટમની સૌથી ક્રાંતિકારી વિશેષતા તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વેટિંગ ટિકિટ પ્રિડિક્શન સિસ્ટમ છે. અગાઉ જ્યારે મુસાફરો વેટિંગ ટિકિટ બુક કરાવતા ત્યારે તે કન્ફર્મ થશે કે નહીં તેનું પૂર્વાનુમાન લગાવનારી સિસ્ટમની સચોટતા માત્ર ૫૩ ટકા હતી, જેના કારણે મુસાફરો હંમેશાં અસમંજસમાં રહેતા હતા. પરંતુ નવી ટેકનોલોજી અપગ્રેડ થયા બાદ આ AI ફીચરની સચોટતા વધીને સીધી ૯૪ ટકા સુધી પહોંચી ગઈ છે. આનાથી કરોડો મુસાફરો ટિકિટ બુક કરાવતી વખતે જ જાણી શકશે કે તેમની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા કેટલી છે, જેથી તેઓ પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી વધુ સારી રીતે કરી શકશે. ઓગસ્ટથી શરૂ થનારો આ સ્માર્ટ બદલાવ ભારતીય રેલવેના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે

