NEET-UG પુનઃપરીક્ષા પહેલા ટેલિગ્રામને મોટો ઝટકો: દિલ્હી હાઈકોર્ટે 22 જૂન સુધીના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો
NEET-UG 2026 ની પુનઃપરીક્ષાની પૂર્વસંધ્યાએ દિલ્હી હાઈકોર્ટે ટેલિગ્રામ એપ પરના પ્રતિબંધને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારના તે આદેશને માન્ય રાખ્યો છે, જેના હેઠળ ટેલિગ્રામ એપ પર 22 જૂન સુધી ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેલિગ્રામ દ્વારા આ આદેશને પડકારતી દાખલ કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારનો આ આદેશ તર્કસંગત છે અને તેને આઈટી એક્ટ (IT Act) ની કલમ 69A હેઠળ લાગુ કરી શકાય છે.
સરકારનો પક્ષ: સુરક્ષા અને પારદર્શિતાનો મુદ્દો
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આકરી દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેલિગ્રામ પરનો પ્રતિબંધ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નથી, પરંતુ એક સુનિયોજિત પ્રક્રિયા બાદ લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક સમિતિએ આ બ્લોકિંગ ઓર્ડરની સમીક્ષા કરી હતી.
સરકારે કોર્ટને જણાવ્યું કે તેમની પાસે એવા પૂરતા પુરાવા છે જે દર્શાવે છે કે ટેલિગ્રામનો ઉપયોગ પરીક્ષામાં ગેરરીતિ કરવા માટે થઈ રહ્યો હતો. એટલું જ નહીં, સરકારે ટેલિગ્રામને ‘નવો ડાર્ક વેબ’ ગણાવતા કહ્યું કે આ પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદ, સાયબર ક્રાઈમ અને ડ્રગ્સની હેરાફેરી માટે પણ કરવામાં આવી રહ્યો છે. NEET-UG 2026 પેપર લીક કાંડમાં જે રીતે ટેલિગ્રામના નેટવર્કનો ઉપયોગ થયો હતો, તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ કડક પગલું લેવું અનિવાર્ય હતું.
કોર્ટમાં ટેલિગ્રામની દલીલો
સુનાવણી દરમિયાન, ટેલિગ્રામના વરિષ્ઠ વકીલ ધ્રુવ મહેતાએ આ આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે કોઈ પરીક્ષા માટે લાખો યુઝર્સના અધિકારો પર તરાપ મારવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે માત્ર કેટલીક વિગતો અથવા માહિતીને બ્લોક કરી શકાય છે, આખા પ્લેટફોર્મને બંધ કરવું તે કટોકટી જેવી સ્થિતિ નથી. જોકે, કોર્ટે સરકારની દલીલો અને જનહિતના મુદ્દાઓને વધુ મહત્વ આપતા આ અરજી નામંજૂર કરી છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
NEET-UG પેપર લીક: મે 2026 માં લેવાયેલી પરીક્ષામાં જે રીતે ટેલિગ્રામનો ઉપયોગ પેપર લીક કરવા માટે થયો હતો, તેનાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું.
સંગઠિત નેટવર્ક: પેપર લીક પાછળ એક મોટું સંગઠિત જૂથ કાર્યરત હતું, જે ટેલિગ્રામના એન્ક્રિપ્ટેડ ફીચર્સનો ગેરલાભ ઉઠાવી રહ્યું હતું.
21 જૂનની પરીક્ષા: 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ પગલું લેવા માંગે છે.
વિદ્યાર્થીઓ માટે શું છે અસરો?
આ પ્રતિબંધ 22 જૂન સુધી અમલમાં રહેશે, જેનો અર્થ છે કે NEET-UG 2026 ની પુનઃપરીક્ષા દરમિયાન ટેલિગ્રામ એપ ભારતમાં કામ કરશે નહીં. આ આદેશ દ્વારા સરકાર એવો સંદેશ આપવા માંગે છે કે પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કરનાર કોઈપણ ટેકનોલોજી પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

