રિવાઇઝ્ડ રિટર્નનો નવો નિયમ: હવે ભૂલ સુધારવા મળશે ૩ મહિનાનો વધારાનો સમય!
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગની પ્રક્રિયામાં આ વર્ષે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. અસેસમેન્ટ યર 2026-27 માટે ફાઇલિંગ દરમિયાન ટેક્સપેયર્સની મોટી સંખ્યામાં ‘રિવાઇઝ્ડ રિટર્ન’ (Revised Return) ફાઇલ કરવાનો ટ્રેન્ડ સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો રિટર્ન ફાઇલ કરીને નિશ્ચિંત થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે. ટેક્સપેયર્સ પોતાની ભૂલો સુધારવા માટે સતર્ક બન્યા છે. આ બદલાવ પાછળના મુખ્ય કારણો અને નવા નિયમોને સમજવા ખૂબ જરૂરી છે.
રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલિંગમાં તેજી કેમ?
આ વર્ષે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલિંગમાં થયેલો વધારો કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ આવકવેરા વિભાગ દ્વારા લાવવામાં આવેલી કડક પારદર્શિતાનું પરિણામ છે. આજે ટેક્સપેયર પાસે AIS (Annual Information Statement) અને TIS (Taxpayer Information Summary) જેવી ડિજિટલ સુવિધાઓ છે, જેમાં તેમની દરેક નાણાકીય લેવડ-દેવડનો રેકોર્ડ ઉપલબ્ધ હોય છે.
ઘણીવાર ટેક્સપેયર્સ ઉતાવળમાં ITR ફાઇલ કરી દે છે, પરંતુ બાદમાં જ્યારે તેઓ AIS રિપોર્ટ જુએ છે, ત્યારે તેમને ખબર પડે છે કે કોઈ આવક અથવા ટેક્સ ડિડક્શન (કપાત) બતાવવાનું રહી ગયું છે. આ ભૂલને સુધારવા માટે રિવાઇઝ્ડ રિટર્ન એક સુરક્ષિત માર્ગ છે.
મુખ્ય કારણો:
-
ડેટા મિસમેચ: ફોર્મ 26AS અને AIS માં દેખાતા ડેટા સાથે ITR માં ભરેલી વિગતો મેચ ન થવાથી નોટિસ આવવાનો ડર રહે છે.
-
નવા ITR ફોર્મની જટિલતા: નવા ફોર્મ્સમાં માહિતી આપવાની પદ્ધતિ વધુ ડિટેલ્ડ બની છે, જેથી નાની-નાની વિગતોમાં ભૂલ થવાની શક્યતા વધી ગઈ છે.
-
ટેક્સ બચતના નવા અવસર: ઘણા ટેક્સપેયર્સ રિટર્ન ફાઇલ કર્યા પછી કોઈ ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કે ડિડક્શન (જેમ કે મેડિકલ ઇન્સ્યોરન્સ કે અન્ય) કરવાનું યાદ કરે છે, જેને ઉમેરવા માટે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવું પડે છે.
સરકારનો મોટો નિર્ણય: રિવાઇઝ્ડ રિટર્ન માટે વધ્યો સમય
બજેટ 2026 માં સરકારે ટેક્સપેયર્સને એક મોટી રાહત આપી છે. અગાઉ રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધીની હતી, જે હવે વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. આ નિર્ણયથી કરદાતાઓને પોતાની ભૂલો સુધારવા માટે વધુ ત્રણ મહિનાનો વધારાનો સમય મળ્યો છે. આ વધારાના સમયને કારણે ટેક્સપેયર્સ હવે વધુ નિશ્ચિંત થઈને પોતાના રિટર્નને ફરી તપાસી શકે છે અને જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તેને દૂર કરી શકે છે.
ITR ફાઇલિંગ માટેની મહત્વની ડેડલાઇન્સ (AY 2026-27)
કરદાતાઓએ પોતાની કેટેગરી મુજબ નીચેની સમયમર્યાદા ખાસ યાદ રાખવી જોઈએ:
| કેટેગરી | અંતિમ તારીખ |
| સેલરીડ અને નોન-ઓડિટ (ITR-1, ITR-2) | 31 જુલાઈ 2026 |
| બિઝનેસ/પ્રોફેશન (ITR-3, ITR-4) | 31 ઓગસ્ટ 2026 |
| ઓડિટ કેસ | 31 ઓક્ટોબર 2026 |
| બિલેટેડ રિટર્ન (લેટ ફાઇલિંગ) | 31 ડિસેમ્બર 2026 |
| રિવાઇઝ્ડ રિટર્ન | 31 માર્ચ 2027 |
આજના સમયમાં સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે
ITR ફાઇલિંગનો સિસ્ટમ હવે સંપૂર્ણપણે ડેટા-ડ્રિવન બની ગયો છે. આવકવેરા વિભાગનું સોફ્ટવેર એટલું સક્ષમ છે કે તે તમારી આવકના એક-એક રૂપિઆના હિસાબને ટ્રેક કરી શકે છે. ભૂતકાળમાં જે નાની ભૂલોને નજરઅંદાજ કરવામાં આવતી હતી, હવે તેના કારણે પણ ‘સ્ક્રૂટની’ (Scrutiny) ની નોટિસ મળી શકે છે.
તેથી જ, હવે ટેક્સપેયર્સ એવું માને છે કે, “ભૂલને બાદમાં નોટિસ દ્વારા સુધારવા કરતા, પોતાની જાતે જ રિટર્ન રિવાઇઝ કરીને ભૂલ સુધારી લેવી વધુ હિતાવહ છે.” આ અભિગમ તેમને લાંબા ગાળાની કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાંથી બચાવે છે.

