અમેરિકામાં નફરતનો ભોગ બન્યો ભારતીય યુવક; છરીના ૧૫ ઘા મારી હત્યાનો પ્રયાસ
અમેરિકાના ઉટાહ રાજ્યમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીંના વેસ્ટ વેલી સિટીમાં આવેલા ‘વેલી ફેર મોલ’માં એક નરાધમે ભારતીય મૂળના મુસ્લિમ યુવક પર ધર્મ પૂછ્યા બાદ ૧૫થી વધુ વાર છરીના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલા બાદ લોહીથી લથપથ થયેલા પીડિત યુવકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ભયાનક હુમલાના આરોપસર પોલીસે ૪૮ વર્ષીય પીટર માઈકલ લાર્સન નામના શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. લાર્સન પર હત્યાનો પ્રયાસ અને પ્રતિબંધિત ખતરનાક હથિયારો સાથે હિંસક વર્તન કરવા બદલ ગુનો નોંધી તેને સોલ્ટ લેક કાઉન્ટી જેલમાં મોકલી દેવાયો છે.
સામાન્ય પાણીની બોટલ માંગવાના બહાને કર્યો હુમલો
પોલીસ એફિડેવિટ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર યુવકની ઓળખ સોહેલ તરીકે થઈ છે. સોહેલ મોલની અંદર આવેલી ‘મેગા ઇન્કોર્પોરેટેડ ડાયમંડ્સ’ નામની જ્વેલરી બ્રાન્ડના કિઓસ્ક (નાની દુકાન) પર સામાન્ય દિવસની જેમ પોતાની ફરજ બજાવી રહ્યો હતો.

આ દરમિયાન આરોપી પીટર લાર્સન તેની પાસે આવ્યો અને પીવા માટે પાણીની બોટલ માંગી. સોહેલ જેવો પાણી લેવા માટે પાછો ફર્યો, કે તરત જ લાર્સને તેના પર પાછળથી હુમલો કરી દીધો. સોહેલ કંઈ સમજે તે પહેલા જ લાર્સને તેના શરીર પર એક પછી એક ૧૫ થી વધુ ઘા ઝીંકી દીધા હતા.
“હું ભારતથી છું અને મુસ્લિમ છું…” કહેતા જ છરીના ઘા ઝીંક્યા
આ હુમલો અચાનક કે કોઈ અદાવતમાં નહોતો થયો, પરંતુ તેની પાછળ ધાર્મિક નફરત હોવાની આશંકા સેવાઈ રહી છે. સોહેલની હોસ્પિટલમાં મુલાકાત લેનાર તેની સાથી કર્મચારી અને ખાસ મિત્ર લુના નુનેઝે મીડિયા સમક્ષ આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો શેર કરી હતી.
લુનાએ જણાવ્યું કે સોહેલે તેને હોસ્પિટલના બિછાનેથી આખી ઘટના કહી સંભળાવી હતી:
“તેણે (આરોપી લાર્સને) સોહેલને પૂછ્યું, ‘તમે ક્યાંથી છો?’ સોહેલે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, ‘હું ભારતથી છું અને મારું નામ સોહેલ છે.’ ત્યારબાદ લાર્સને કટ્ટરતાથી પૂછ્યું, ‘શું તમે મુસ્લિમ છો?’ જેવો સોહેલે હા પાડી, લાર્સને કશું જ વિચાર્યા વિના પોતાની પાસે રહેલી છરી કાઢીને સોહેલને નિર્દયતાથી સ્ટેબ (છરા મારવાનું) કરવાનું શરૂ કરી દીધું.”
“પરિવારની આજીવિકા ચલાવતો હતો સોહેલ”: કિઓસ્કના માલિકનું આક્રંદ
સોહેલ જે જ્વેલરી કિઓસ્કમાં કામ કરતો હતો તેના માલિક અદનાન મોહમ્મદે આ ઘટના અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સોહેલ બે નાના બાળકોનો પિતા છે, જેઓ ઘરે તેમના પિતાની રાહ જોઈ રહ્યા હતા. તે માત્ર પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે રોજ સખત મહેનત કરતો હતો.

અદનાને ગળગળા અવાજે કહ્યું:
“હું ઈચ્છું છું કે હું તેની રક્ષા માટે ત્યાં હાજર હોત. તેને બચાવવા માટે મેં મારો જીવ પણ આપી દીધો હોત. હું એ લોકોનો હૃદયપૂર્વક આભારી છું જેમણે સમયસર દરમિયાનગીરી કરીને સોહેલનો જીવ બચાવ્યો. તેમના કારણે જ આજે માનવતા જીવતી છે.”
અદનાને વધુમાં ઉમેર્યું કે, આ ઘટનાએ સ્થાનિક ભારતીય અને મુસ્લિમ સમુદાયને હચમચાવી દીધો છે. દુનિયાએ હવે નફરત છોડી દેવી જોઈએ. “સખત મહેનત કરો, સારા બનો અને પ્રેમ ફેલાવો. આ સંસારમાં નફરત માટે કોઈ જગ્યા નથી. હું માત્ર એક જ ધર્મમાં માનું છું અને તે છે માનવતા. પહેલા માનવતા, પછી બીજું બધું.”