ઇમરજન્સી લેન્ડિંગઃ ચંદીગઢ જતી GO ફર્સ્ટ ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, ફ્લાઈટ અમદાવાદ પરત આવી, તપાસ શરૂ

0
46

ચંદીગઢ જઈ રહેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની ફ્લાઈટનું ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી જ ટેકઓફ થયેલા આ વિમાનના પરત ફરવાનું કારણ બર્ડ હિટ જણાવવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આ મામલે તપાસ શરૂ કરી છે.

ગો ફર્સ્ટ ફ્લાઈટ નંબર G8911 ગુરુવારે સવારે 6.18 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ચંદીગઢ માટે ઉપડ્યું હતું. A320 એરક્રાફ્ટ લગભગ 14,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યા પછી પાયલોટને શંકા હતી કે કોઈ પક્ષી અથડાયું છે. પાયલોટે એટીસીને જાણ કરી અને પ્લેનને અમદાવાદ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું. લગભગ એક કલાક પછી 7.20 ની આસપાસ પ્લેન ફરીથી અમદાવાદ એરપોર્ટ પર જ લેન્ડ થયું હતું.

ડીજીસીએના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું કે, વિમાનના ડાબા એન્જિન સાથે પક્ષી અથડાવાની આશંકા છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગો ફર્સ્ટના મેનેજમેન્ટે આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી.

છેલ્લા બે મહિના ભારતીય એરલાઇન્સ માટે થોડા ભારે રહ્યા છે. આ દરમિયાન વિવિધ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ વારંવાર બની રહી છે. 2 ડઝન જેટલા બનાવો નોંધાયા છે. બે વખત વિમાનોએ પાકિસ્તાનના કરાચીમાં ઉતરાણ કરવું પડ્યું. મોટાભાગની ઘટનાઓ સ્પાઇસજેટ કંપનીના વિમાનો સાથે બની છે.