IND vs AFG: અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં થશે જાહેરાત; બુમરાહ અને સિરાજના રમવા પર હજુ પણ સસ્પેન્સ
ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહી છે. જૂન મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક રોમાંચક ટેસ્ટ મેચ રમાવાની છે. જોકે, આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા પસંદગીકારો સમક્ષ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને વર્કલોડ મેનેજમેન્ટ અને મુખ્ય ફાસ્ટ બોલરોની ફિટનેસને લઈને BCCI હજુ પણ અવઢવમાં છે.
ચંદીગઢના મેદાનમાં જામશે જંગ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ઐતિહાસિક ટેસ્ટ મેચ 6 જૂનથી ચંદીગઢમાં શરૂ થવાની છે. આ પ્રવાસ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમ માત્ર ટેસ્ટ જ નહીં, પરંતુ ત્યારબાદ ત્રણ મેચોની વનડે (ODI) શ્રેણી પણ રમશે. જોકે, હાલમાં પસંદગીકારોનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ટીમ પર કેન્દ્રિત છે. આવતા અઠવાડિયાના અંત સુધીમાં ભારતીય સ્ક્વોડની સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેવી પ્રબળ શક્યતા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ મહત્વ
ભલે આ ટેસ્ટ મેચ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના વર્તમાન ચક્રનો ભાગ ન હોય, તેમ છતાં પસંદગીકારો તેને હળવાશથી લેવાના મૂડમાં બિલકુલ નથી. TOI ના અહેવાલ મુજબ, ભારતીય મેનેજમેન્ટ આ મેચનો ઉપયોગ બેન્ચ સ્ટ્રેન્થને ચકાસવા અને ભવિષ્યની મોટી શ્રેણીઓ માટે મજબૂત સંયોજન (Combination) શોધવા માટે કરવા માંગે છે. ટીમ ઇન્ડિયા ઈચ્છે છે કે તેમના ખેલાડીઓ રેડ-બોલ ક્રિકેટમાં સતત લયમાં રહે.
જસપ્રીત બુમરાહ અને બોલિંગ આક્રમણ પર સસ્પેન્સ
સૌથી મોટો પ્રશ્ન જસપ્રીત બુમરાહની ભાગીદારીને લઈને છે. બુમરાહ હાલમાં શાનદાર ફોર્મમાં છે, પરંતુ સતત ક્રિકેટ રમવાને કારણે તેના શરીર પરના કામના ભારણને ઘટાડવા માટે તેને આરામ આપવામાં આવી શકે છે. બીજી તરફ મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણાની ઉપલબ્ધતા પણ અનિશ્ચિત જણાઈ રહી છે. આ બોલરોની આઈપીએલ ટીમો પ્લેઓફમાં કેટલી આગળ વધે છે તેના પર તેમની થાક અને રિકવરીનો આધાર રહેશે.
IPL પ્લેઓફનું ગણિત અને પસંદગીકારોની વ્યૂહરચના
પસંદગીકારો હાલમાં આઈપીએલના પોઈન્ટ ટેબલ પર નજર રાખી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો બહાર થઈ ગઈ હોવાથી બુમરાહ પાસે આરામ કરવાનો સમય છે, પરંતુ જે ખેલાડીઓની ટીમો (જેમ કે ગુજરાત ટાઇટન્સ) પ્લેઓફમાં જશે, તેમને ટેસ્ટ મેચ પહેલા રિકવર થવા માટે બહુ ઓછો સમય મળશે. આ ઉપરાંત, આકાશ દીપ અને હર્ષિત રાણા જેવા ઉભરતા બોલરો હજુ પણ ઈજામાંથી સંપૂર્ણ સાજા થયા નથી, જેના કારણે ફાસ્ટ બોલિંગના વિકલ્પો મર્યાદિત બન્યા છે.
નવા ચહેરાઓને તક મળશે?
ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે શું આ મેચમાં નવા યુવા ફાસ્ટ બોલરોને ભારતની પ્રતિષ્ઠિત ‘ટેસ્ટ કેપ’ આપવામાં આવશે? BCCI ના સૂત્રો મુજબ, બોર્ડ આડેધડ ટેસ્ટ કેપ વહેંચવા માંગતું નથી. ટેસ્ટ ક્રિકેટનું ગૌરવ જાળવી રાખવા માટે માત્ર તે જ ખેલાડીઓને તક અપાશે જેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, મુખ્ય બોલરોને આરામ અપાય તેવા સંજોગોમાં એક-બે નવા યુવા ચહેરાઓ મેદાનમાં જોવા મળી શકે છે.

