Vapi: વાપીના ડુંગરામાં વિવાદોના વંટોળમાં ફસાયેલ ‘સીમના સિટી’ પ્રોજેક્ટમાં હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની ભૂમિકા મહત્વની બની છે. જે રીતે કોઈ પણ જાતની એન્વાયરમેન્ટ ક્લિયરેન્સ (EC) વગર અહીં આલીશાન બિલ્ડિંગો ઉભી કરી દેવામાં આવી છે, તે જોતા પર્યાવરણ સુરક્ષાના કાયદાનો સરેઆમ ભંગ થયો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
GPCB અને પર્યાવરણ મંત્રાલયના કડક નિયમો
કોઈપણ બહુમાળી ઈમારત કે ટાઉનશીપ બનાવતા પહેલા Environment Impact Assessment (EIA) નો રિપોર્ટ તૈયાર કરી GPCB અને પર્યાવરણ મંત્રાલય પાસેથી સંમતિ લેવી પડે છે. સીમના સિટીમાં આ પ્રક્રિયાનું ઉલ્લંઘન થતા હવે નીચે મુજબની આકરી પેનલ્ટી આવી શકે છે: Environmental Compensation (પર્યાવરણીય વળતર): GPCB બિલ્ડર પાસેથી પર્યાવરણને થયેલા નુકસાનના બદલામાં ભારે વળતર વસૂલી શકે છે. આ રકમ પ્રોજેક્ટના ટર્નઓવરના આધારે નક્કી થાય છે, જે લાખો કે કરોડો રૂપિયા હોઈ શકે છે.
ED (Environmental Damages) પેનલ્ટી: મંજૂરી વિના બાંધકામ શરૂ કરવા બદલ પ્રોજેક્ટ કોસ્ટના 1% થી 5% સુધીનો આકરો દંડ ભરવો પડી શકે છે.
ક્લોઝર નોટિસ: જો GPCB ને જણાય કે પ્રોજેક્ટથી પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે, તો તે પ્રોજેક્ટને સીલ કરવાની અથવા કામ કાયમ માટે બંધ કરવાની (Closure Order) સત્તા ધરાવે છે.
કાયદેસરની ફોજદારી કાર્યવાહી: પર્યાવરણ સંરક્ષણ ધારો-1986 હેઠળ બિલ્ડર સામે કોર્ટમાં કેસ ચલાવી શકાય છે, જેમાં 5 વર્ષની જેલ ની જોગવાઈ છે.
સીમના સિટીએ ક્યાં કરી ભૂલ?
બિલ્ડર દ્વારા રેરા (RERA) માં નંબર એપ્લાય કરી દેવાયો છે, આ મામલો પણ ગરમાયો છે. રેરા નંબર હજુ ‘એપ્લાઈડ’ સ્ટેટસમાં છે, એટલે કે હજુ મંજૂરી મળી નથી. છતાં અહીં તો ફ્લેટ વેચાઈ રહ્યા છે . GPCB ના નિયમ મુજબ, પ્રોજેક્ટ સાઈટ પર STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ), સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન બેલ્ટની જોગવાઈઓ હોવી જોઈએ, જેના પ્લાન મંજૂર થયા વગર ઈંટ પણ મૂકી શકાતી નથી.
નિષ્ણાતોનું મંતવ્ય: જો કોઈ પ્રોજેક્ટ પાસે EC ન હોય, તો તે પ્રોજેક્ટ ‘ગેરકાયદેસર’ ગણાય છે. ભલે બિલ્ડરે મ્યુનિસિપાલિટી પાસેથી નકશા પાસ કરાવ્યા હોય, પણ EC વગર તે કાયદેસર બનતો નથી.
ગ્રાહકો માટે જોખમની ઘંટડી
જો GPCB આ પ્રોજેક્ટને ક્લિયરન્સ આપવાનો ઇનકાર કરે, તો આખી બિલ્ડિંગ ‘ડેન્જર ઝોન’ માં આવી શકે છે. ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે. શું વાપી GPCB ના અધિકારીઓ આ ગંભીર બેદરકારી સામે લાલ આંખ કરશે? કે પછી ‘સેટિંગ’ ના ખેલમાં પર્યાવરણનો ભોગ લેવાશે?
જો બિલ્ડર પાસે એન્વાયરમેન્ટ ક્લિયરેન્સ ન હોય, તો તેને પ્રોજેક્ટનો ‘કમ્પ્લીશન સર્ટિફિકેટ’ (CC) કે ‘ઓક્યુપન્સી સર્ટિફિકેટ’ (OC) મળતા નથી. આનો અર્થ એ થયો કે ફ્લેટ ખરીદનાર ગ્રાહકને ક્યારેય કાયદેસરનો કબજો મળી શકશે નહીં, અને તેને વીજળી-પાણીના કનેક્શન મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડશે.
RERA ના નામે ગ્રાહકોને અંધારામાં રાખ્યા?
બીજી બાજુ RERA નો મામલો પણ ગરમાયો છે. રેરા નંબર હજુ ‘એપ્લાઈડ’ સ્ટેટસમાં છે, એટલે કે હજુ મંજૂરી મળી નથી. છતાં અહીં તો ફ્લેટ વેચાઈ રહ્યા છે અને ગ્રાહકો પાસેથી કરોડોનું ઉઘરાણું પણ શરૂ કરી દેવાયું છે. કાયદા મુજબ રેરા રજીસ્ટ્રેશન વગર વેચાણ કરવું એ ગુનો છે અને તેમાં 10% દંડની જોગવાઈ છે.
તંત્ર સામે સવાલો
જ્યારે બિલ્ડિંગો આટલી ઉંચી ચણાઈ રહી હતી, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક સત્તામંડળો કેમ મૌન રહ્યા? સીમના સિટીએ જે રીતે પર્યાવરણના કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે, તે જોતા હવે ગ્રીન ટ્રિબ્યુનલ આમાં કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.


