વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડા દેખાવ બાદ પણ જીતુ વાઘાણીને ભાજપના પ્રમુખ પદે કેમ ચાલુ રખાયા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી સત્તા જતાં-જતાં રહી ગઈ. હાર્દિક પટેલ. અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલને ભાજપને ભોયભૂ કરવામાં કોઈ કસર રાખી ન હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સંગઠન આ ત્રણેય યુવા નેતાઓની તોલે ઉણો ઉતર્યું એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી.

વિધાનસભામાં ભાજપની બૂરી વલે થઈ હોવા છતાં પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીને અનેક વિરોધ વચ્ચે ચાલુ રાખવામાં આવ્યા તે વાતની પાછળના અનેક કારણો હોઈ શકે છે પરંતુ મહત્વનું કારણ એ છે કે જીતુ વાઘાણી પર સીધી રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહના ચાર હાથ છે. અમીત શાહે બોલેલા એકેય શબ્દને તેઓ જરાય અવગણતા નથી. યસમેન છે અને એ જ તેમની ગૂડવીલ છે. બાકી સંગઠનની વાત કરીએ તો ભાજપના સંગઠનમાં હાલ ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.

જીતુ વાઘાણીના કાર્યકાળ દરમિયાન ભાજપનો દેખાવ સતતને સતત નબળો થતો જઈ રહ્યો છે અને તેની સાક્ષાત સાબિતી વિધાનસભા, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીઓમાં જોવા મળી હતી. જીતુ વાઘાણી પોતાની સીટ બચાવી શક્યા જ્યારે તેમની આસપાસની સીટોમાં કોંગ્રેસે તેમને જરાય ફાવવા દીધા ન હતા.

સંગઠનના કાર્યક્રમોમાં હાજરી આપવાથી લઈ પ્રમુખ તરીકે ઉડીને આંખે વળગે તેવી કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. રથયાત્રા કાઢી તો એ પણ રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શિકા પ્રમાણેની હતી.

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જીતુ વાઘાણીના પ્રમુખ પદની ફરી કસોટી થવાની છે. 2014માં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી. 2019ના પ્રારંભમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં વાઘાણી વિધાનસભામાં ગયેલી આબરૂને સાચવી રાખશે કે કેમ તે મહત્વનું બની રહેનારું છે. બાકી ભાજપમાં જે પ્રકારે કોંગ્રેસીઓનો ભરાવો થઈ રહ્યો છે તેનાથી ભાજપના કેડર બેઝ કાર્યકરો અને વર્ષો જૂના કસાયેલા આગેવાનોમાં ભભૂકતો દાવાનળ છે.

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com