હવે દિલ્હી-મુંબઈ જવું મોંઘુ : ઘરેલુ હવાઈ ભાડું બમણું, જાણો ક્યાંવધ્યું ભાડું

0
133

સરકાર દ્વારા ભાડા પરની ટોચમર્યાદા હટાવ્યા બાદ એરલાઈન્સે ઝડપથી વધારો કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં મુસાફરી માટે કંપનીઓ સપ્ટેમ્બરની સરખામણીએ કેટલાક મહત્વપૂર્ણ રૂટ પર બમણાથી વધુ ભાડું વસૂલ કરી રહી છે. જ્યારે બીજી તરફ એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો થતાં મુસાફરોને પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્બરની મુસાફરીની સિઝનમાં સ્થાનિક મુસાફરોને હવાઈ ભાડામાં રાહત મળવાની શક્યતા ઓછી છે. ક્લિયરટ્રિપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શિયાળા અને નવા વર્ષની રજાઓ દરમિયાન ઑક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે હવાઈ ભાડું ટોચ પર હોય છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઊંચી માંગને કારણે ભાવને અસર થઈ છે, કારણ કે મોટાભાગના લોકો રોગચાળાને કારણે બે વર્ષના અંતરાલ પછી તેમના વેકેશનનું આયોજન કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે મોંઘી એર ટિકિટનું મુખ્ય કારણ એરક્રાફ્ટની અછત છે, જેમાંથી કેટલાક મેન્ટેનન્સ અને એન્જિન સંબંધિત સમસ્યાઓના કારણે બંધ થઈ ગયા છે.

ઓનલાઈન ટ્રાવેલ ઓપરેટર EasyGo ની વેબસાઈટ અનુસાર, 21 થી 31 ડિસેમ્બરની વચ્ચે મુસાફરી માટે નવી દિલ્હી-મુંબઈ રૂટ પરનું ભાડું સપ્ટેમ્બરમાં 5,500 રૂપિયા અને મેમાં 9,000 રૂપિયાથી વધીને ડિસેમ્બર માટે 15,000 થી 20,000 રૂપિયા થઈ ગયું છે. એટલે કે આ રૂટ પરનું ભાડું લગભગ બમણું થઈ ગયું છે. નવી દિલ્હી-ગોવા રૂટમાં 40 ટકા અને નવી દિલ્હી-બેંગલુરુ રૂટમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ બેંગ્લોર-કોલકાતા રૂટ પર ભાડામાં 44 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ઉડ્ડયન સલાહકાર ફર્મ CAPA અનુસાર, 75 થી વધુ એરક્રાફ્ટ અથવા લગભગ 10-12 ટકા ફ્લીટ ગ્રાઉન્ડ થઈ ગયા છે, જે પહેલાથી જ પ્રતિકૂળ ખર્ચના વાતાવરણ વચ્ચે ભારતીય એરલાઈન્સ માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. CAPA કહે છે કે સપ્લાય ચેઇનમાં ગંભીર કટોકટીથી એરલાઇનની ક્ષમતા પ્રભાવિત થઈ છે. સંગઠને એમ પણ કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં આ સંકટ જોવા મળી શકે છે. જેના કારણે એરલાઇન્સ તેમજ મુસાફરોની મુશ્કેલીઓ વધી રહી છે.