15 C
Ahmedabad
Sunday, January 23, 2022

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પડતી કેમ થઈ? ભૂંડા પરાજ્યો માટે જવાબદાર કોણ?

Must read

દક્ષિણ ગુજરાત એટલે કે ભરુચથી લઈ વાપી સુધીની પટ્ટી ભાજપનો અભેધ કિલ્લો બની ગઈ છે. આ પટ્ટી પર હવે કોંગ્રેસને જીતના રીતસર ફાંફા પડે છે અથવા તો એમ કહી શકાય કે અહીંના કોંગ્રેસના નેતાઓએ ભાજપને દક્ષિણ ગુજરાત તાસક પર ભેટ આપવાની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. જીતની માનસિક્તા ગુમાવી ચૂકેલી દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની નેતાગીરીમાં અનેક નેતાઓની ફોજ છે પણ સ્થિતિ એવી છે કે આ તમામ નેતાઓ ચૂંટણીના રાજકારણમાં સરેઆમ નિષ્ફળ ગયા છે.

જ્યારે અહેમદ પટેલ જીવિત હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ નિર્ણય લઈ શકાતા ન હતા. અહેમદ પટેલના વર્તુળમાં તે વખતે અનેક નેતાઓનો સમાવેશ થતો હતો. ભરુચમાં તેઓ પોતે, સુરતમાં કદીર પીરઝાદા, જવાહર ઉપાધ્યાય, તાપી જિલ્લામાં તુષા ચૌધરી વલસાડ-વાપીમાં કિશન પટેલ, ગૌરવ પંડ્યા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આટલા બધા નેતાઓની ફોજ હોવા છતાં ભરુચથી લઈ વાપી સુધીમાં કોંગ્રેસના ભૂંડા પરાજ્યો થતાં રહ્યા છે. ઉભરતા નેતાઓમાં આનંદ ચૌધરી અનંત પટેલ છે પણ તેઓ પણ જૂથબંધીના ચક્રવ્યૂહને ભેદી શક્યા નથી.

મહત્વની વાત એ છે કે અહેમદ પટેલ હયાત હતા ત્યારે તેમના સમર્થકોએ કોંગ્રેસ કરતાં અહેમદ પટેલની ફરતે કુંડાળું સર્જી દીધું હતું અને અહેમદ પટેલ પણ તેમાં યેનકેન રીતે ઘસાડાતા રહ્યા. સ્થિતિ એ આવીને ઉભી થઈ કે અહેમદ પટેલના નામે જૂથવાદ એટલો બધો વણસી ગયો કે કાર્યકરો જાહેરમાં બાખડવા માંડ્યા. જિલ્લા અને શહેર લેવલે કાર્યકારો બાખડ્યા પણ નોંધનીય વાત એ છે કે તેમના તમામ ગોડફાધરો સીધી લીટીમાં અહેમદ પટેલને પોતાના લીડર માનતા હતા. આ નેતાઓ ટીકીટોની વહેંચણીમાં ભાગબટાઈ કરતા રહ્યા અને જૂથબંધી ઘરે ઘર પહોંચી ગઈ અને એની અસર એ થઈ કે ચૂંટણીમાં કોંગ્રેસના કહેવાતા ગોડફાધરોના સમર્થકો એકબીજાના મહાભયાનક દુશ્મન બની ગયા. રાજકીય લડાઈ કરતાં પણ દરેક જિલ્લા અને વોર્ડમાં કાર્યકરોના ઘરે ઘર અને મહોલ્લે-મહોલ્લે લડાઈ પહોંચીને વ્યક્તિગત બની ગઈ. આટલી હદ સુધીની વરવી જૂથબંધી કોંગ્રેસમાં ફૂલીફાલી છે અને આજે પણ એ અવિરત ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલશે એવું દેખાયા કરે છે. અમારા માણસને ટીકીટ ન આપી તો અમે કામ કરીશું નહીં. આ દ્રશ્યો મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં જોવા મળ્યા હતા. એક નેતાના સમર્થકોએ ખૂલ્લેઆમ કોંગ્રેસના જ ઉમેદવાર સામે જાહેરમાં આવીને નિવેદનો આપ્યા હતા.

એક સમય એવો હતો કે દક્ષિણ ગુજરાત કોંગ્રેસનો અભેદ કિલ્લો હતો.અહેમદ પટેલ, ઝીણાભાઈ દરજી, અમરસિંહ ચૌધરી, સીડી પટેલ, ઉત્તમ પટેલ સહિત અનેક નેતાઓથી કોંગ્રેસનું સંગઠન ધમધમતું રહ્યું હતું. પણ સમયકાળે કોંગ્રેસના નેતાઓની વહારે થઈને કાર્યકરો એટલા બધા લડ્યા અને જાહેરામાં કપડા ઉતારવા લાગ્યા કે તેનાથી કોંગ્રેસનું સંગઠન બાણશૈયા પર આવી ગયું.

એવું નથી કે કોંગ્રેસના નેતાઓ આનાથી અજાણ છે. બધા જાણે છે પણ અજ્ઞાત બનવાનો ડોળ કરીને આંખમિચામણા કરે છે અથવા તો “હું જ મોટો છું” એવા તોરમાં રાચીને પોતાનો કક્કો ખરો કરવાની માનિસક્તા ધારણ કરીને બેઠાં હોય એવું વિદિત થયા કરે છે. પાછલા 25 વર્ષથી કોંગ્રેસ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભામાં સતતને સતત ભૂંડા પરાજ્યોનો સામનો કરે છે પણ કોંગ્રેસના નેતાઓ છે કે પોતાની રાજાશાહીના તોરમાંથી બહાર નીકળી રહ્યા નથી.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article