મોંઘવારીનો વધુ એક ફટકો! મધર ડેરીનું દૂધ આજથી મોંઘુ થશે, જુઓ દિલ્હી-NCRના નવા દર

0
77

મોંઘવારી ફરી એકવાર સામાન્ય લોકો પર પડી છે. મધર ડેરીનું ફુલ ક્રીમ મિલ્ક અને ટોકન મિલ્ક આજથી દિલ્હી-એનસીઆરમાં 1 રૂપિયા પ્રતિ લિટર અને 2 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. સોમવાર (21 નવેમ્બર)થી, ફુલ ક્રીમ દૂધની કિંમત 63 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જોકે, કંપનીએ 500 એમએલના પેકમાં વેચાતા ફુલ ક્રીમ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટોકન મિલ્ક (બલ્ક વેન્ડેડ મિલ્ક) 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચવામાં આવશે.

મધર ડેરીએ રવિવાર (20 નવેમ્બર) ના રોજ માહિતી આપી હતી કે તેણે સોમવારથી દિલ્હી-એનસીઆરમાં ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ 1 રૂપિયા અને ટોકન દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. મધર ડેરીએ આ વર્ષે ચોથી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.

શા માટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે

મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેરી ખેડૂતો પાસેથી કાચા દૂધની ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે સમગ્ર ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ફીડ અને ઘાસચારાની વધતી કિંમત, અનિયમિત ચોમાસું વગેરેને કારણે કાચા દૂધની ઉપલબ્ધતા પર અસર પડી છે, જે કાચા દૂધના ભાવ પર દબાણ લાવે છે.
ઑક્ટોબરની શરૂઆતમાં, મધર ડેરીએ દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના કેટલાક અન્ય બજારોમાં ફુલ-ક્રીમ દૂધ અને ગાયના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો હતો. માર્ચ અને ઓગસ્ટમાં પણ તમામ વેરિઅન્ટ્સ માટે રેટમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબરમાં, અમૂલે પણ ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવાની જાહેરાત કરી હતી. વધારા સાથે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.