ચાર બંગડીવાળી ગાડી ફેમ કિંજલ દવેનો અમદાવાદમાં વિરોધ, જાણો કારણ

ગુજરાતી નોન ફિલ્મી આલ્બમ “ચાર-ચાર બંગડીવાળી ગાડી”થી પ્રસિદ્વ થયેલી રોક સ્ટાર કિંજલ દવેનો અમદાવાદ ખાતે બુધવારે રાત્રે વિરોધ થયો હતો. નવરાત્રીના એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. લોકોનો રોષ એટલો બધો હતો કે કિંજલ દવેની કારને પણ આગળ વધવા દીધી ન હતી. તેની ચાર બંગડીવાળી ગાડીને લોકોએ અટકાવી દીધી હતી.

વિગતો મુજબ અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટી સેન્ટરના પાર્ટી પ્લોટમાં નવરાત્રીને અનુલક્ષીને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિંજલ દવે અને તેના મ્યુઝીક ગ્રુપને પર્ફોર્મ કરવા માટે બોલાવાયું હતું. સૌ પ્રથમ સ્ટેજ નજીક રમતા ખૈલેયાને ગરબા રમતા અટકાવી દેવાયા હતા જેના કારણે ભારે વિવાદ થયો હતો. આયોજકોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

આ ઘટના બાદ કિંજલ દવે અને તેનું ગ્રુપ જઈ રહ્યું હતું ત્યારે પ્લોટની બહાર લોકોએ કિંજલની કારને અટકાવી દીધી હતી. કિંજલને આગળ જવા દેવામાં આવી રહી ન હતી. લોકોનું કહેવું હતું કે કે કિંજલે કાર્યક્રમને અધવચ્ચે પુરો કરી દીધો છે. ગરબાના કાર્યક્રમને વહેલો પુરો કરી દેતા લોકોએ રસ્તા વચ્ચે ઉભા રહીને કિંજલનો વિરોધ કર્યો હતો. બાઉન્સરોએ પણ બાજી સંભાળી લીધી હતી.

આ ઘટનાના પગલે આયોજકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચી હતી અને લોકોને સાઈડ પર કર્યા હતા. પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત થયો હતો અને કિંજલ ત્યાર બાદ ત્યાંથી રવાના થઈ હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com