કોસ્ટ ગાર્ડ અને ATSએ ઓખા પાસેથી 425 કરોડના ડ્રગ્સ સાથે ઈરાની બોટ ઝડપાઈ

0
65

ભારતીય કોસ્ટ ગાર્ડ(ICG) અને ATS ને મોટી સફળતા હાથ લાગી છે. ફરી એક વાર કરોડો રૂપિયાની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી પાડયો છે. ઓખાના દરિયા કિનારા નજીકથી રૂ.425 કરોડના હેરોઇન સાથે ઈરાની બોટ પકડી પડી છે. સાથે 5 ઈરાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઓખા કિનારે 340 કિમી (190 માઇલ) દૂર ભારતીય જળસીમામાં રાત્રે અંધારામાં એક શંકાસ્પદ બોટ ફરતી જોવા મળી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે ચેતવણી આવતા, શંકસ્પદ બોટે નાસી જવાની કોશિશ કરી હતી. બોટનો પીછો કરી કોસ્ટ ગાર્ડે પાંચ શખ્સો સાથે બોટ પકડી પાડી હતી. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતા, આશરે બોટમાંથી રૂ.425 કરોડની કિંમતનો 61 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બોટ સહિતના ક્રુ મેમ્બરોને વધુ તપાસ માટે ઓખા લાવવામાં આવી રહ્યા છે.

ATSનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કે ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ગયા હોવાની શંકા છે, જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધદરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. આરોપીની આ મુદ્દે વધુ પૂછપરછ કરાશે. ગુજરાતના દરિયા કિનારેથી દેશમાં નશીલા દ્રવ્યો ઘુસાડવાના ધરખમ પ્રયાસો માફિયા કરી રહ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથે મળીને વિવિધ ઓપરેશનમાં આઠ વિદેશી જહાજને પકડી પડ્યા છે અને રૂ. 2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.