ગુજરાત કોંગ્રેસના જમ્બો માળખાની જાહેરાત આવતા સપ્તાહે, 200 જેટલા હશે હોદ્દેદારો

પાછલા  મહિનાથી લટકી રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનના માળખાની બે-ચાર દિવસમાં જાહેરાત કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે. આવતા સપ્તાહે માળખું જાહેર થવાની શક્યતા જોવામાં આવી રહી છે.

કોંગ્રેસ વર્તુળો મુજબ ગુજરાત કોંગ્રેસના માળખાની જાહેરાત આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જ કરવાની હતી પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાંસદોના વિદેશ પ્રવાસમાં જોડાયા હોવાથી આ જાહેરાતમાં વિલંબ થયો છે અને ત્રણ-ચાર દિવસમાં રાજીવ સાતવ પરત ફર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવનારી હોવાની માહિતી મળી રહી છે.

કોંગ્રેસના આધારપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા માળખામાં લગભગ 200 થી વધુ હોદેદારોનો સમાવેશ કરાશે જેમાં યુવા ચહેરાઓને વધુ મહત્વ અપાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના ‘પરફોર્મન્સ બેઝ પ્રમોશન’ ના સૂત્રને આધારિત પ્રદેશ માળખાની રચના કરાશે જેમાં જિલ્લા સ્તરે સારી કામગીરી કરનાર યુવા ચહેરાને વધુ પ્રોત્સાહિત કરવા તેમનો પ્રદેશ માળખામાં સમાવેશ કરવામાં આવશે. આ અગાઉ કોંગ્રેસના પ્રદેશ માળખામાં જુદાજુદા વિભાગીય પ્રમુખ નિમાશે તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ હવે રાજ્યના આઠ જેટલા રાજકીય ઝોન બનાવી આઠ ઝોન ઉપપ્રમુખ તથા આઠ ઝોન મહામંત્રીઓને ઝોન દીઠ જવાબદારી સોપવાની શક્યતા છે.

પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીના રાજીનામા બાદ નિયુક્ત થયેલા નવા પ્રમુખ અમિત ચાવડાએ ગઈ 4થી એપ્રિલ 2018 થી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો પરંતુ 6-6 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં જૂથવાદ અને રાજકીય કાવાદાવાના લીધે પ્રદેશ માળખું જાહેર થઈ શક્યું ન હતું. ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના સંગઠનના માળખાની વહેલામાં વહેલી તકે રચના થાય તે માટે અંગત રસ લઈ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને ખાસ જવાબદારી સોંપી હતી જેના ભાગરુપે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પ્રભારી રાજીવ સાતવે પક્ષના સિનિયર નેતાઆે તથા અગ્રણી કાર્યકરો સાથે મીટીગનો દોર શરુ કરી પ્રદેશ માળખાના રચનાની કવાયત હાથ ધરી હતી.

તાજેતરમાં અમિત ચાવડાએ સંગઠનના માળખાની સૂચિત યાદી રાજીવ સાતવને સુપરત કરી હતી અને નવરાત્રિના પ્રથમ દિવસે જ સંગઠનના માળખાની જાહેરાત થાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી તે મુજબ આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત થવાની હતી પરંતુ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાંસદોની સાથે વિદેશ ટુરમાં ગયા હોવાથી તેમના પરત ફર્યા બાદ એટલે આવતા સપ્તાહે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનના માળખાની સત્તાવાર જાહેરાત થઈ જશે તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com