સુરત મહાનગર પાલિકાના કચરા કૌભાંડમાં ઉદય નાયક ક્યારે કાર્યવાહી કરશે?

સુરત મહાનગર પાલિકા દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજ સિસ્ટમનાં અનુસંધાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની લાલીયાવાડી સામે આવી રહી છે. સોલિડવેસ્ટ ડિપાર્ટમેન્ટના વડા ઉદય નાયકને પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્વ કાર્યવાહી કરવામા આવી રહી નથી જેના કારણે અનેક પ્રકારની શંકા ઉભી થઈ રહી છે.

સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના ભરીમાતા વિસ્તારમાં આવેલા ટ્રાન્પોર્ટેશન સેન્ટર પરથી કચરાને બારોબાર વેચી મારવામાં આવે છે અને કોર્પોરેશનને આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જે કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે પાલિકાએ નક્કી કરેલા નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે અને દાદાગીરી કરી કચરાને બારોબાર વેચી નાંખવાનો વેપલો કરે છે.

સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપરાંત આરોગ્ય ખાતાના વડા આશિષ નાયકને પણ ફરીયાદ કરવામાં આવી હતી પરંતુ 10 દિવસના અંતે એકમાત્ર કચરાનો વધુ ભરાવો રહેતો હોવાની દેખાવ ખાતરની નોટીસ આપી મામલાને રફેદફે કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા દ્વારા પાલિકા કમિશનરને ફરીયાદ કરવામાં આવી અને ત્યાર બાદ ફોન અને રૂબરૂમાં કોન્ટ્રાકટર દ્વારા કેવા પ્રકારે કચરાને બારોબાર સગેવગે કરવામાં આવે છે તેના પુરાવા પણ આપવામાં આવ્યા પરંતુ હજુ સુધી કાર્યવાહીના નામે મસમોટું જોવા મળી રહ્યું છે.

કોન્ટ્રાકટર સામે એક શબ્દની પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા પાલિકાના અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે નિયમોનો ઉલ્લંઘન કરીને કચરાને બારોબાર સગેવગે કરવાનો ભાંડો ફોડવામાં આવ્યો હોવા છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વડા ઉદય નાયક તપાસ પણ કરવાની તસ્દી લઈ રહ્યા નથી. ઉલ્ટાનું એવું લાગે છે કે પાલિકાના અધિકારીઓ કોઈક રીતે કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે કે શું?  આવી રીતે અનેક પ્રકારની શંકા-કુશંકા થઈ રહી છે.

મામલા અંગે તપાસ કરતાં માત્ર સેન્ટ્રલ ઝોનના ભરીમાતા ટ્રાન્સપોર્ટેશન સેન્ટર જ નહી પણ અન્ય સેન્ટરો પણ તો બેરોકટોક આવા પ્રકારનો વેપાર કરવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ હાજી ચાંદીવાલાએ કર્યો છે. જે અંગે પણ ટૂંક સમયમાં વિગતો પ્રસિદ્વ કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે ઉદય નાયક કોઈક કાર્યવાહી કરે છે કેમ?

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com