કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

0
94

અમદાવાદ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રીના પુત્ર ચેતનભાઇ રાવલ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

પૂર્વ મુખ્યમંત્રી છબીલભાઈ મહેતાના સુપુત્રી નીતાબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા.

કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ ભાજપની લોકવિરોધી નીતિઓને ઉજાગર કરી શકી નથી: ઇન્દ્રનીલ રાજગુરુ

સામાજિક આગેવાન ડૉ.સુનિલભાઈ જાદવ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

કોંગ્રેસ પાર્ટીના ઈમાનદાર અને પ્રજાલક્ષી કામ કરવા માગતા નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇન્દ્રનીલ રાજગુરુ

અરવિંદ કેજરીવાલજીના પ્રજાલક્ષી કાર્યોથી આજે સમગ્ર ગુજરાતમાં મોટા મોટા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇન્દ્રનીલ રાજગુરુ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ગુજરાતના લોકો અત્યંત થાકી ગયા છે. કોંગ્રેસ પાર્ટી એ પણ ક્યારેય ભાજપની લોકવિરોધી નીતિઓને ઉજાગર કરી નથી અને લોકોનો વિશ્વાસ જીત્યો નથી. અને એટલા માટે જ લોકોના હિતનું વિચારતા કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમદાવાદના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા હતા એ વાત ચેતનભાઇ રાવલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ચેતનભાઇના પિતાશ્રી ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી રહી ચુક્યા હતા અને સાથે સાથે તેઓ કોંગ્રેસના સૌથી લાંબા ગાળાના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી છબીલભાઈ મહેતાના સુપુત્રી શ્રી નીતાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સામાજિક કામ સાથે સંકળાયેલા ડૉ.સુનિલભાઈ જાદવ પણ આજે અરવિંદ કેજરીવાલજી થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે સાથે હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ચેતનભાઇ રાવલ, નીતાબેન ડૉ.સુનિલભાઈ જાદવ અને મનસુખભાઈ પટેલ અરવિંદ કેજરીવાલજીના હાથે ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ દરમિયાન ચેતનભાઇ રાવલે મીડિયાની સંબોધતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આપણી સામે ખૂબ જ મોટી સમસ્યાઓ છે જેમ કે મોંઘવારી બેરોજગારી કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળેલી શિક્ષણ વ્યવસ્થા. આ તમામ સમસ્યાઓને વાચા આપવામાં અને નિરાકરણ લાવવામાં વર્તમાન ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. કમનસીબે કોંગ્રેસ પાર્ટી આ વાતોને લઈને કોઈ કામ નથી કરી શકી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી નું કામકાજ આપણે જોયું છે. અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હીની સાથે સાથે પંજાબમાં પણ આપણે ખુબ જ સારું કામ થતા જોયું છે. અરવિંદ કેજરીવાલજીના જે પ્રજાલક્ષી અભિગમ છે તેનાથી પ્રેરણા લઈને અને તેમના કામોને વધુ મજબૂતીથી આગળ વધારવા માટે આજે હું અને મારી સાથે મારા મિત્રો અને સેંકડો સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની સમજુ પ્રજા આ વખતે અરવિંદ કેજરીવાલજીને ખોબે ખોબે આશીર્વાદ આપશે.

આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ નીતાબેનએ કહ્યું કે, હું પોતે એક સમાજ સેવી છું અને મેં કોંગ્રેસમાં થોડું ઘણું કામ પણ કરેલ છે. પરંતુ હું હમણાં દિલ્હી ગઈ અને મેં ત્યાં અરવિંદ કેજરીવાલજીનું કામ જોયું અને ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. આજના મોંઘવારીના સમયમાં જ્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યાં અરવિંદ કેજરીવાલજીએ શાંતિથી સામાન્ય પરિવારના ઘર ચાલી શકે તે માટે ઘણી મદદ કરી છે અને જનતા હિત માટે કામ કર્યા છે. તે જોઈને ગુજરાતમાં પરિવર્તન લાવવા હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું.

સુનિલભાઈએ આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ કહ્યું કે, હું એક સામાજિક કાર્યકર છું. પણ ગુજરાત સરકાર દ્વારા મને મળેલો એવોર્ડ મેં સરકારને પાછો આપ્યો હતો કેમ કે દલિતો માટે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. દલિતોના મંદિરમાં જવાના પ્રશ્નો હોય, ઘોડી પર ચડવાના પ્રશ્નો હોય કે મુછો રાખવાના પ્રશ્નો હોય વારંવાર ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ આશ્વાસન મળે એવી પણ કોઈ પ્રવૃત્તિ આ સરકાર તરફથી નથી થઈ રહી. અને એવા સમયે અરવિંદ કેજરીવાલજી જેવા નેતા વાલ્મીકિ સમાજના વ્યક્તિને પોતાના ઘરે જમવા બોલાવે છે, પોતાની સાથે આંબેડકરનો ફોટો રાખે છે અને એ સંદેશ આપે છે કે અમે આ પીડિત સમાજની સાથે છીએ. તે જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે પ્રભાવિત થયો છું.

મનસુખભાઈ પટેલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં જે પણ વચનો આપ્યા હતા તે બધા વચનો એમણે પૂરા કર્યા છે. આમ આદમી પાર્ટી ગરીબ, મધ્યમ વર્ગ, નાના નાના વેપારીઓની પાર્ટી છે. હાલ કોંગ્રેસનો એક પાર્ટી જેવું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલજીએ પ્રજાલક્ષી વિચારો અને કામો કર્યા છે અને એને અનુલક્ષીને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. 1991 માં હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને નગરપાલિકાનું પ્રમુખ પણ બન્યો હતો. કોંગ્રેસમાં પ્રદેશ કિસાન સેલનો મહામંત્રી પણ રહી ચૂક્યો છું. આજે ગુજરાતમાં ભાજપ એક તાનાશાહી પાર્ટી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના આવવાથી ગુજરાતમાં લોકોના મુદ્દાને મહત્વ મળી રહ્યું છે. આજે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.