અક્ષય કુમાર અભિનીત બોલિવૂડ ફિલ્મ ‘કેસરી’નું ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જવાન’ કોણે નહીં સાંભળ્યું હોય. ગીતકાર મનોજ મુન્તાશીરે લખેલું આ ગીત દેશના જવાનોને સમર્પિત છે. હવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આ ગીત તેમના એક કાર્યકરને સમર્પિત કરતા શાહબાઝ સરકાર પર પ્રહાર કર્યા છે. પોલીસના લાઠીચાર્જમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરનું કથિત રીતે મોત થયું હતું.
વાસ્તવમાં, ઈમરાનના સમર્થકો, જેઓ શહેબાઝ શરીફ સરકાર વિરુદ્ધ ફરી મોરચો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, બુધવારે તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા. સમર્થકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ ઉપરાંત, પોલીસે પાણીની તોપોનો ઉપયોગ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા જેના પરિણામે એક વ્યક્તિનું મોત થયું. પોતાના સમર્થકના અવસાનથી દુઃખી થયેલા ઈમરાન ખાને મનોજ મુન્તાશીરે લખેલા ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જવાન’નું લોકલ વર્ઝન શેર કર્યું છે.
ગીત દ્વારા શાહબાઝ સરકાર પર હુમલો
ગીત શેર કરતાં ઈમરાન ખાને લખ્યું, “આ ગીત શહીદ અલી બિલાલને સમર્પિત કરું છું, જેઓ ઝીલે શાહ તરીકે ઓળખાય છે. તેઓ તેમના દેશને ખૂબ જ ખાસ રીતે પ્રેમ કરતા હતા. કસ્ટડીમાં યાતનાઓ ભોગવવાથી લઈને તેમનું મૃત્યુ એ ઉંડાણ દર્શાવે છે કે ભ્રષ્ટ, નિર્દયી. અને ક્રૂર શાસક વર્ગ ડૂબી ગયો છે.” ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (PTI) પાર્ટીના વરિષ્ઠ નેતા શિરીન માઝરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “પીટીઆઈ કાર્યકર અલી બિલાલ (40) લાઠીચાર્જ દરમિયાન માથામાં ઈજા થવાથી મૃત્યુ પામ્યા હતા. એક ડઝનથી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Dedicating this song to Shaheed Ali Bilal, known affectionately as Zille Shah. He loved his country in a very special way. His violent death through custodial torture shows the depths to which the corrupt, ruthless & cruel ruling elite has sunk. pic.twitter.com/UuohWwQ75n
— Imran Khan (@ImranKhanPTI) March 10, 2023
આ દરમિયાન પીટીઆઈ કાર્યકર અલી બિલાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. કિંગ એડવર્ડ મેડિકલ યુનિવર્સિટી દ્વારા શેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે અલી બિલાલનું મૃત્યુ ત્રાસથી થયું હતું અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલની ફોરેન્સિક ટીમ દ્વારા ગત રાત્રે બિલાલનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, હત્યાની તપાસ માટે પંજાબ પોલીસની બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ ટીમ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કર્યા બાદ ત્રણ દિવસમાં આઈજી પંજાબને રિપોર્ટ સોંપશે.
ઈમરાન ખાનની પાર્ટીએ દાવો કર્યો હતો કે તેના “શાંતિપૂર્ણ” કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પ્રાંતીય રાજધાનીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે પીટીઆઈના 100થી વધુ કાર્યકરોની ધરપકડ કરી છે. પાર્ટીએ પોલીસ કાર્યવાહીને “ફાસીવાદી” અને 70 વર્ષીય ખાનની ધરપકડ માટે “માર્ગ મોકળો” કરવાનો પ્રયાસ ગણાવ્યો.