રોહિત ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય? બીસીસીઆઈના એક ટ્વીટમાં થઈ સ્પષ્ટ વાત

0
89

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં પીઠમાં ઈજા થઈ હતી. સિરીઝની ચોથી મેચમાં તેના રમવા પર સસ્પેન્સ યથાવત છે. ટીમ ઈન્ડિયા હાલમાં સીરિઝમાં 2-1થી આગળ છે, તેથી રોહિત શર્મા આ મહત્વપૂર્ણ મેચમાં રમશે કે નહીં, તેનો જવાબ BCCIના એક ટ્વિટથી સ્પષ્ટ થઈ ગયો છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર રોહિતનો એક ફોટો શેર કર્યો છે અને કેપ્શન પણ લખ્યું છે.

ત્રીજી T20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેટિંગ કરતી વખતે અચાનક જ દર્દમાં જોવા મળ્યો હતો. સ્નાયુમાં તણાવને કારણે તેની કમરમાં સમસ્યા હતી અને તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. હવે BCCIએ ટ્વિટર પર રોહિતની ફિટનેસ અંગે અપડેટ આપતો ફોટો શેર કર્યો છે. બીસીસીઆઈએ ટ્વિટર પર રોહિત શર્માનો પ્રેક્ટિસ કરતો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં રોહિત શર્મા બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. BCCIએ કેપ્શનમાં લખ્યું, ‘રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો છે અને રિષભ પંત તેને જોઈ રહ્યો છે.’

રોહિત શર્માએ પણ ત્રીજી ટી20 મેચ બાદ પોતાની ઈજા અંગે અપડેટ આપી હતી. મેચ પછીના પ્રેઝન્ટેશન પર વાત કરતા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘હું ઠીક છું. જો આગામી મેચમાં સમય મળશે તો મને ખાતરી છે કે ત્યાં સુધીમાં હું સંપૂર્ણ રીતે ફિટ થઈ જઈશ. અમે વચ્ચેની ઓવરોમાં સારી બોલિંગ કરી અને પીચનો સારી રીતે ઉપયોગ કર્યો. અમે જે રીતે આ ટાર્ગેટનો પીછો કર્યો તે વધુ મહત્વનું છે.

ટીમ ઈન્ડિયા પાસે ચોથી T20 જીતીને શ્રેણી પર કબજો કરવાનો મોકો હશે. ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 68 રનથી જીતી હતી. સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર વાપસી કરીને ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાની નજર હવે ચોથી T20 પર ટકેલી છે.